Get The App

મોટું કૌભાંડ? દુબઈમાં ડ્રાઈવરની નોકરીના નામે મોકલી કાળી મજૂરી કરાવી, પાસપોર્ટ કબજે કર્યું

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
Ahmedabad's Five Tech Service Exposed

Ahmedabad's Five Tech Service Exposed: નડિયાદના બે યુવકોને દુબઈમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી અમદાવાદની 'ફાઈવટેક સર્વિસ'ના સંચાલકોએ તેમને વિદેશ મોકલ્યા હતા. જોકે, દુબઈ પહોંચ્યા બાદ તેમને વચન મુજબની નોકરી આપવાને બદલે, સંચાલકોએ તેમના પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા અને તેમની પાસે પરાણે મજૂરી કરાવી શારીરિક-માનસિક શોષણ કર્યું હતું. આટલું જ નહીં, યુવકોને ભારત પરત લાવવા માટે પણ એજન્ટોએ નાણાંની માંગણી કરી હતી. અંતે, બંને યુવકોએ ભારતીય એમ્બેસીનો સંપર્ક સાધ્યો હતો અને ઈમરજન્સી સર્ટીફિકેટ મેળવીને સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા હતા. આ સમગ્ર કૌભાંડ અંગે ક્રાઈમબ્રાંચે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ફેસબુકની જાહેરાત જોઈ યુવકો છેતરાયા

ભારતીય એમ્બેસીની મદદથી બંને યુવકો ભારત પરત ફર્યા છે, જ્યારે ફાઈવટેક સર્વિસના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાતા મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. નડિયાદના રહેવાસી સ્મિતરાજસિંહ ઝાલાની ફરિયાદ મુજબ, આશરે સવા વર્ષ પહેલાં તેમણે ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી. જેમાં ફાઈવટેક ઈન્ટરનેશનલ સર્વિસ નામની કંપનીએ દુબઈમાં ડ્રાઈવરની નોકરી, 1.40 લાખ રૂપિયા પગાર, મફત રહેવા-જમવાની સગવડ અને યુએઈનું ડ્રાઈવિંગ લાયસન્સ અપાવવાની લાલચ આપી હતી.

આથી સ્મિતરાજસિંહ અને તેમના મિત્ર અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલા ગોકુલ કોમ્પ્લેક્સમાં આવેલી કંપનીની ઓફિસમાં રાહુલ ગુપ્તા નામના મેનેજરને મળ્યા હતા. નોકરીના બદલામાં સવા લાખ રૂપિયાની ફી નક્કી કરવામાં આવી હતી. જોકે, ઓગસ્ટ 2025માં જ્યારે તેઓ દુબઈ પહોંચ્યા, ત્યારે ત્યાં તેમને ધમકાવીને નવા કરારો પર સહી કરાવાઈ હતી અને પાયાની સુવિધાઓ આપવાને બદલે તેમની પાસે પરાણે કાળી મજૂરી કરાવવામાં આવતી હતી.

પાસપોર્ટના બદલામાં 6,500 દિરહામની માંગણી

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા યુવકોએ જયપુર સ્થિત ઓફિસ પર કૈલાશ મિશ્રાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે ધમકી આપતા જણાવ્યું હતું કે, 'અમારે આ બાબતે કોઈ લેવા-દેવા નથી, જો તમે અમારા વિરુદ્ધ કોઈ પગલાં લેશો તો આખી જિંદગી દુબઈમાં સડી જશો.' આટલું જ નહીં, જો ભારત પરત આવવું હોય તો પાસપોર્ટ મેળવવાના બદલામાં 6,500 દિરહામ ચૂકવવાની શરત પણ મૂકવામાં આવી હતી. 

આ પણ વાંચો: ATMના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનું ષડયંત્ર, અમદાવાદમાં 18 બેન્કોમાં લાખોની નકલી ચલણી નોટો પકડાઈ

દુબઈમાં પણ કંપની વિરુદ્ધ અગાઉની ફરિયાદો

અંતે, બંને યુવકોએ ભારતીય એમ્બેસીની મદદ લીધી હતી, જ્યાં અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે ફાઈવ ટેક નામની આ કંપની ભારત સરકારના વિદેશ મંત્રાલય(Ministry of External Affairs)માં નોંધાયેલી જ નથી. વધુમાં, આ કંપની વિરુદ્ધ દુબઈમાં પણ અગાઉ ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાં તે ડ્રાઈવરની નોકરીના બહાને યુવકોને બોલાવીને પરાણે મજૂરી કરાવતી હોવાનું સામે આવ્યું છે. ભારત પરત આવવા માટે પાસપોર્ટ ન હોવાથી બંને ઈન્ડિયન એમ્બેસીએથી પાસપોર્ટ કઢાવીને ઈમરજન્સી સર્ટીફિકેટથી ભારત પરત ફર્યા હતા અને ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

મોટું કૌભાંડ? દુબઈમાં ડ્રાઈવરની નોકરીના નામે મોકલી કાળી મજૂરી કરાવી, પાસપોર્ટ કબજે કર્યું 2 - image