Get The App

નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી 1 - image

- મિલકત વેરા વસૂલાત માટે આકરી કાર્યવાહી

- 34 જેટલા મિલકત ધારકોએ બાકી વેરો જમા કરાવતા પાલિકા દ્વારા કબજો પરત સોંપાયો

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન પાલિકાની ટીમોએ અત્યાર સુધીમાં કુલ ૧૮૫ જેટલી કોમર્શિયલ મિલકતોને સીલ મારી દીધા છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં જે મિલકત ધારકો લાંબા સમયથી વેરો ભરવામાં આનાકાની કરી રહ્યાં હતા તેમની સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પાલિકાના ટેક્સ વિભાગની આ કાર્યવાહીને પગલે અનેક વેપારીઓએ સીલિંગથી બચવા માટે સ્થળ પર જ બાકી વેરાની ચુકવણી કરવાની ફરજ પડી હતી.

ટેક્સ વિભાગના આંકડા મુજબ, જે મિલકતો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી તેમનો કુલ બાકી વેરો ૮૨.૩૮ લાખ જેટલો થવા જાય છે. આ મોટી રકમ વસૂલવા માટે જપ્તીની પ્રક્રિયા અમલમાં મૂકતા જ ૩૪ જેટલા મિલકત માલિકોએ તાત્કાલિક પોતાનો બાકી વેરો જમા કરાવી દીધો હતો. વેરો ભરાઈ જતાં પાલિકા દ્વારા આ મિલકતોના સીલ ખોલીને કબજો પરત સોંપવામાં આવ્યો હતો. મિલકત માલિકો દ્વારા સીધા પાલિકાની કચેરીમાં અંદાજે ૧૮ લાખની રકમ ટેક્સ પેટે જમા કરાવાઈ હતી, જ્યારે સીલિંગની કામગીરી દરમિયાન ફિલ્ડમાં જ ૬૦ લાખથી વધુની રકમ વસૂલવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વ્યાપારી મિલકતોમાં વેરાની બાકી રકમનું પ્રમાણ વધુ જણાતા પાલિકાની ટીમોએ ત્યાં વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જપ્તીના ડરથી અનેક વેપારીઓએ સ્થળ પર જ ચેક અથવા રોકડ દ્વારા નાણાંની ચૂકવણી કરી હતી. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મિલકત ધારકોનો વેરો હજુ પણ બાકી છે તેમની સામે નોટિસ બાદ હવે સીધું મિલકત સીલ કરવાનું વલણ અપનાવવામાં આવતા ટેક્સ વસૂલાતની કામગીરીમાં ગતિ જોવા મળી રહી છે.