Gujarat

જામનગરમાં ગાયનેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ મહિલાના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને ભારે ચકચાર

By GS TEAM
30 Oct 20252 mins read
TukuTouch Logo
જૂનાગઢ પંથકની નર્સ મહિલા ઓપરેશન થિયેટરમાં બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા બાદ તેણી મૃત્યુ પામી : પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ગાયનેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ મહિલાના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને ભારે ચકચાર

Jamnagar : જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી એક ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મૂળ જૂનાગઢ પંથકની એક નર્સિંગ સ્ટાફ યુવતીના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને ભારે ચકચાર જાગી છે. મૃતક નર્સિંગ યુવતી ઓપરેશન થિયેટરમાં બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા બાદ મૃત્યુ પામી હોવાથી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે. નર્સિંગ યુવતીએ એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઇ આત્મહત્યા કરી લીધાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના તરસિંગડા ગામની વતની અને હાલ જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી કેશવ વુમન્સ હોસ્પિટલમાં નર્સ સ્ટાફ તરીકે ફરજ બજાવતી કોમલબેન હરેશભાઈ ભીમાણી નામની 28 વર્ષની યુવતી કે જે ગઈકાલે બપોરે ખાનગી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જમીન પર બેશુદ્ધ અવસ્થામાં પડેલી મળી આવી હતી.

 આ અંગે તેની સાથે જ ફરજ બજાવતી અન્ય નર્સિંગ સ્ટાફ યુવતીએ તો તુરત જ હોસ્પિટલના ડો.પૂનમબેન કેશુભાઈ કોડીનારિયાને જાણ કરતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને અન્ય ખાનગી તબીબોને બોલાવીને કોમલબેનને પ્રાથમિક સારવાર આપવાની તૈયારી કરી હતી, પરંતુ તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું અન્ય તબીબો દ્વારા જાહેર કરાયું હતું. 

આ બનાવ અંગે ડો.પૂનમબેન કોડીનારીયા એ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, જેથી પોલીસે બનાવના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જ્યારે કોમલબેનના પિતા હરેશભાઈ ભીમાણી વગેરેને જાણ કરતાં તેઓ જામનગર દોડી આવ્યા હતા, અને તેઓએ કોમલબેનના મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોતાના વતનમાં લઈ ગયા છે. જે બનાવ સમયે ભારે ગમગીની ફેલાઈ હતી.

કોમલબેનનું કયા સંજોગોમાં મૃત્યુ નીપજયું છે, તે અંગેનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું જેમાં પ્રાથમિક રિપોર્ટ દરમિયાન તેણીએ પોતાના હાથમાં એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈ લેવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેણીએ આત્મહત્યાનું પગલું ભરી લીધુ હોવાનું પણ અનુમાન કરાયું છે. મૃતકના વિસરા લઈને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાવાયા છે.