Gujarat

શહેરનો યક્ષ પ્રશ્ન ઉકેલવામાં મ્યુનિ.તંત્ર નિષ્ફળ,પીરાણા ડમ્પ સાઈટને માટે ૧૩ વર્ષ પહેલા થયેલા એમ.ઓ.યુ.કાગળ ઉપર

By GS Team
2 Mar 20222 mins read
This article was originally published on 2 Mar 2022
શહેરનો યક્ષ પ્રશ્ન ઉકેલવામાં મ્યુનિ.તંત્ર નિષ્ફળ,પીરાણા ડમ્પ સાઈટને માટે ૧૩ વર્ષ પહેલા થયેલા એમ.ઓ.યુ.કાગળ ઉપર

  અમદાવાદ,બુધવાર,2 માર્ચ,2022

અમદાવાદ શહેરનો યક્ષ પ્રશ્ન બની ગયેલી પીરાણાની મુખ્ય ડમ્પસાઈટને ઝીરો વેસ્ટ સાઈટ કરવાના આયોજનમાં મ્યુનિ.તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે.ડમ્પસાઈટ ઉપર એકઠા થતા કચરાનો નિકાલ કરવા ૧૩ વર્ષ પહેલા થયેલા એમ.ઓ.યુ.પણ કાગળ ઉપર છે.કચરાનો કેપીંગ પધ્ધતિથી નિકાલ કરવાના આયોજનને પણ અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યું છે.આ ડમ્પસાઈટને કારણે બહેરામપુરા ઉપરાંત દાણીલીમડા વોર્ડથી લઈ છેક પાલડી સુધીના વિસ્તારમાં રહેતા નાગરિકોના જાહેર આરોગ્ય ઉપર દિન-પ્રતિદિન જોખમ વધી રહ્યું છે.

ત્રણ દાયકાથી પણ વધુ સમયથી પીરાણાની ૮૦ એકર જમીન ઉપર સમગ્ર અમદાવાદ શહેરમાંથી એકઠો કરવામાં આવેલો રોજ ૪ હજાર મેટ્રીકટનથી પણ વધુ કચરો સ્પોટ ટુ ડમ્પ સહિતની પધ્ધતિઓ દ્વારા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.પીરાણા ડમ્પસાઈટ ની આસપાસ રહેતા લોકોનું જીવન આ કચરાના કારણે વિવિધ રોગથી ગ્રસ્ત બની રહ્યુ છે.વર્ષ-૨૦૦૭માં યોજવામાં આવેલ વાયબ્રન્ટ સમિટ સમયે વેસ્ટ ટુ એનર્જી  પ્રોજેકટ અંતર્ગત પીરાણા ડમ્પ સાઈટ ખાતે એકઠા કરવામાં આવતા ઘન કચરાના નિકાલ માટે એમ.ઓ.યુ.કરવામાં આવ્યા હતા.એ સમયે ત્રણ થી ચાર કંપનીઓ દ્વારા આ કામગીરીમાં રસ બતાવવામાં આવ્યો હતો.

આ કંપનીઓ પૈકી અમેરિકા બેઝ એક કંપની એલાયન્સ વેસ્ટ મેનેજમેન્ટના પદાધિકારીઓ પણ ખાસ અમેરિકાથી આવ્યા હતા.તે સમયે જુના કચરાની સાથે નવો ઉમેરાતો કચરો આપી કચરાના કેપીંગ પધ્ધતિથી નિકાલ માટે કેટલીક જમીન પણ માંગવામાં આવી હતી.પરંતુ બાદમાં આ આખોય પ્રોજેકટ અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યો હતો.મ્યુનિ.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પ્રતિક્રીયા આપતા કહ્યુ,પીરાણા ડમ્પસાઈટની લીધેલી મુલાકાતમાં જોવા મળ્યુ છે કે,આ ડમ્પસાઈટના કારણે હવા પ્રદૂષિત થવાની સાથે ભૂગર્ભ જળ સ્તોત્ર ઉપર પણ ગંભીર અસર થવા પામી છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તરફથી આપવામાં આવેલી ડેટલાઈન સુધીમાં આ ડમ્પસાઈટ ઝીરો ડમ્પ સાઈટ બને એવી કોઈ શકયતા દેખાતી નથી.

જે પ્રમાણે વહીવટીતંત્ર અને સત્તાધીશો પીરાણા ડમ્પસાઈટને લઈ નિર્ણય લઈ રહ્યા છે એ જોતા આવનારા ઘણા વર્ષો સુધી આ ડમ્પસાઈટ ઝીરો વેસ્ટ સાઈટ નહીં થાય તો હાલના નગરજનો ઉપરાંત ભવિષ્યના અમદાવાદના નાગરિકો યુવાનીમાં પગ મુકતાની સાથે જ વિવિધ બીમારીથી ગ્રસ્ત બની જશે એમ પણ એમણે કહ્યુ હતું.

જે સમયે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અમલમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો એ સમયે નદીના તટમાં એ સમયે ઝૂંપડા બાંધીને રહેતા પરિવારો પૈકી કેટલાકને જયાં આવાસની ફાળવણી કરવામાં આવી છે એ આવાસો પણ પીરાણા ડમ્પસાઈટ પાસે જ છે.આવી સ્થિતિમાં પણ મ્યુનિ.તંત્ર અને સત્તાધીશો આ અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી તરીકે ઓળખાવવામાં ગર્વ અનુભવે છે?પીરાણા ડમ્પસાઈટના કચરાના કારણે શહેરના બહેરામપુરા ઉપરાંત દાણીલીમડા,શાહેઆલમ,ઈસનપુર,મણિનગર,વટવા,રામોલ,હાથીજણ ઉપરાંત લાંભા સહિત પાલડી સુધીના વિસ્તારોમાં દિવસ કે રાતના સમયે હવાના પ્રદૂષણને કારણે સતત દુર્ગંઘ મારે છે.ઉપરાંત લોકો ચામડી,આંખના રોગ ઉપરાંત ટી.બી.અને કેન્સર જેવા રોગનો શિકાર બની રહ્યા હોવાનું પણ વિપક્ષ નેતાએ કહ્યુ છે.