Get The App

મ્યુનિ.કોર્પોરેશનનો લારી-ગલ્લા સ્ટોર હાઉસફૂલ

સ્ટોરમાં ૧૧૦૦ લારી-ગલ્લા, ૮૦ વાહનો, ૫૦ પગરિક્ષાઓ જમા

જપ્ત માલસામાન રાખવાની જગ્યા માટે તંત્ર મૂંઝવણમાં !

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિ.કોર્પોરેશનનો લારી-ગલ્લા સ્ટોર હાઉસફૂલ 1 - image

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલીકરણના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો પર નડતરરૂપ લારી-ગલ્લા, પથારા અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

દબાણ શાખાની ટીમો વિવિધ વિસ્તારોમાંથી જપ્ત કરાયેલા લારી-ગલ્લા અને અન્ય સામાનને મૂંજમહુડા સ્થિત લારી-ગલ્લા સ્ટોર ખાતે જમા કરાવે છે. જોકે સતત વધી રહેલી જપ્તીની કાર્યવાહી વચ્ચે હવે સ્ટોરમાં જગ્યા ખૂટી પડતાં તંત્ર માટે સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા એક વર્ષથી જપ્ત કરાયેલા માલસામાન અને વાહનોની હરાજી થઈ શકી નથી, જેના કારણે સ્ટોરમાં સામાનનો સતત ભરાવો વધતો ગયો છે.

મૂજમહુડા સ્થિત સ્ટોર સંપૂર્ણપણે હાઉસફૂલ થઈ ગયો છે. જેના કારણે જપ્તકરાયેલો સામાન જ્યાં થોડી જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં આડેધડ ગોઠવવાની ફરજ પડી રહી છે. સ્ટોરમાં હાલમાં ૮૦ ટુ-વ્હલર, ટેમ્પો અને ફોર-વ્હીલર વાહનો જમા છે. ઉપરાંત ૧૧૦૦ લારી-ગલ્લા અને કાઉન્ટરો પણ રાખવામાં આવ્યા છે. આ સિવાય આશરે ૫૦ પગરિક્ષાઓ પણ સ્ટોરમાં પડેલી છે.

મ્યુનિ. અધિકારીનું કહેવું છે કે હાલ સ્ટોરમાં ઉપલબ્ધ સામાનને ખસેડી જગ્યા બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાથે જ જપ્તકરાયેલા ૪૫ વાહનોની હરાજી પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. ઉપરાંત, વધારાનો પ્લોટ અથવા અન્ય યોગ્ય સ્થળ શોધવાની કામગીરી હાથ ધરાઈ છે, જેથી જપ્ત કરાયેલા સામાનના સંગ્રહની સમસ્યાનો ઉકેલ લાવી શકાય.