Gujarat

પ્રેમિકાને ઉપાડી જવા તેની માતા અને ભાઇનું અપહરણ, 4 ઝબ્બે

By GS TEAM
30 Jan 20263 mins read
પ્રેમિકાને ઉપાડી જવા તેની માતા અને ભાઇનું અપહરણ, 4 ઝબ્બે

પ્રેમિકાના લગ્ન વાલીઓએ અમદાવાદ કરાવતાં પ્રેમી ઉશ્કેરાયો હતો  : ભાડલા અને આટકોટ પોલીસની મદદથી પોલીસે અપહૃત માતા-પિતાને મુક્ત કરાવી 4 આરોપીઓને દબોચી લીધા

રાજકોટ, : પ્રેમિકાના તેના વાલીઓએ બીજે લગ્ન કરાવી દેતા તેનુ સરનામુ મેળવી તેનું અપહરણ કરવા માટે એક શખ્સે તેની માતા અને ભાઇનું અપહરણ કરી લેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ભાડલા નજીકથી પોલીસે અપહૃત માતા અને પુત્રને મુક્ત કરાવી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. 

પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે મૂળ બોટાદના ગઢડા તાલુકાના જનડા ગામનો બાબુ ઉર્ફે કૃણાલ માલાભાઇ મીઠાર (ઉ.વ. 29) સાધુ વાસવાણી રોડ પર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહે છે અને દૂધનો ધંધો કરે છે. તેને પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમસબંધ હોવાથી બે મહિના પહેલા તેને ભગાડી ગયો હતો. જોકે બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ જતા પરત આવી ગયો હતો. 

ત્યાર પછી તેની પ્રમિકાના પરિવારજનોએ દસ જ દિવસ પહેલા તેના અમદાવાદ લગ્ન કરાવી નાખ્યા હતા. જેને કારણે બાબુ ઉર્ફે કૃણાલ રોષે ભરાયો હતો. તેને એવો રોષ હતો કે પ્રેમિકાને તેના પરિવારજનોએ તેનાથી દુર કરી દીધી છે. આ સ્થિતિમાં પ્રેમિકાને પામવા માટે તેને ઉપાડી જવાનું નક્કી કર્યુ હતું. પરંતુ પ્રેમિકાનું તેની પાસે સરનામુ ન હતું. જેને કારણે સરનામુ મેળવવા માટે પ્રેમિકાની માતા કે પરિવારના કોઇ સભ્યનું અપહરણ કરી તેને અમદાવાદ લઇ જઇ ત્યાંથી પ્રેમિકાને પણ ઉપાડી લેવાની યોજના બનાવી હતી. 

આ માટે ચાર મિત્રોને તૈયાર કર્યા હતા. એટલું જ નહી અપહરણ માટે સેલ્ફ ડ્રાઇવમાં અર્ટીગા અને ઓરા કાર લીધી હતી. ગઇકાલે સાંજે ચાર મિત્રો સાથે પ્રેમિકાના પરિવારનાં સભ્યોનું અપહરણ કરવા નિકળ્યો હતો. પ્રેમિકાના પિતા મળી જતા તેનો પીછો કર્યો હતો. પરંતુ તેને ગંધ આવી જતા પત્ની અને પુત્રને સાધુ વાસવાણી રોડ પરના ગંગોત્રી પાર્ક પાસેની હોટલે બોલાવી લીધા હતા. 

તે વખતે બાબુ ઉર્ફે કૃણાલ અને તેના મિત્રો કારમાં ત્યાં આટાફેરા કરતા રહ્યા હતા. આખરે પ્રેમિકાના પિતા પત્ની અને પુત્રને ઘરે રવાના કરી નોકરીએ જતા રહ્યા હતા. પાછળથી બાબુ ઉર્ફે કૃણાલ અને તેના મિત્રોએ ગંગોત્રી પાર્ક પાસેથી પ્રેમિકાની માતા અને તેના ૧૪ વર્ષના ભાઇનું અપહરણ કરી લીધુ હતું. એક જાગૃત નાગરીક મારફત જાણ થતા ગાંધીગ્રામ-૨ નાં પી.આઇ. એચ.એન.પટેલે પોલીસની ટીમોને કામે લગાડી હતી. પ્રેમિકાના માતાના મોબાઇલનાં લોકેશનનાં આધારે અને ભાડલા ઉપરાંત આટકોટ પોલીસની મદદથી આખરે પોલીસે બંને અપહ્રૂતોને મુક્ત કરાવી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.

જેમાં બાબુ ઉર્ફે કૃણાલ, તેના મિત્રો ભરત જીવાભાઇ કલોત્રા (ઉ.વ. 30, રહે. માનસરોવરના ઢાળે), અલ્પેશ રમેશભાઇ ઠાકોર (ઉ.વ. 20, રહે. માટેલ, તા.વાંકાનેર) અને જયદીપ મહેશ લિંબાસીયા (ઉ.વ. 24, રહે. ન્યુ સાગર સોસાયટી, 40 ફૂટ રોડ)નો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યુ કે આરોપી બાબુ ઉર્ફે કૃણાલ પ્રેમિકાની માતા અને ભાઇને અમદાવાદ લઇ જવાનો હતો. જ્યાંથી પ્રેમિકાનું અપહરણ કરવાનો હતો. તેના વિરૂદ્ધ ગઢડા પોલીસ મથકમાં 2016ની સાલમાં અપહરણ અને પોક્સોનો ગુનો નોંધાઇ ચુક્યો છે. ઓરા કાર સાથે એક આરોપી ભાગી જતા તેની શોધખોળ જારી રાખવામાં આવી છે.