ઉ.મા.શિક્ષકો માટેની TAT ૮૧ હજારથી વધુ ઉમેદવારોએ આપી

અમદાવાદ,રવિવાર
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે રાજ્ય ભરમાં ઉ.મા.શિક્ષકો માટેની ટીચર્ચ એપ્ટિટયુડ ટેસ્ટ (ટાટ) લેવાઈ હતી.જેમાં નોંધાયેલા ૯૮ હજારથી વધુ ઉમેદવારોમાંથી ૮૧૨૬૬ ઉમેદવારોએ પરીક્ષા આપી છે એ ૧૭ હજાર જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.
સરકાર દ્વારા પ્રાથમિકથી માંડી ઉ.મા.સ્કૂલોમાં શિક્ષક બનવા માટે વિવિધ ટીચર્સ એલિજિબિલીટી અને એપ્ટિટયુડ ટેસ્ટ લેવાનું શરૃ કરાયુ છે.જેમાં અગાઉ બે મહિના પહેલા માધ્યમિક શિક્ષકો માટેની ટાટ લેવાયા બાદ આજે રાજ્ય ભરમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટેની ટાટ લેવાઈ હતી. છેલ્લે ૨૦૧૪માં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટેની ટાટ લેવાઈ હતી અને જે ગુજરાત માધ્યમિક-ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ હતી. સરકારે તમામ પરીક્ષાઓની જવાબદારી રાજ્ય પરીક્ષા બોર્ડને સોંપી દેતા ચાર વર્ષ બાદ લેવાયેલી આ ટાટ પ્રથમવાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ છે.ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી સહિતના માધ્યમોમાં જુદા જુદા વિષયોમાં ટાટ લેવાઈ હતી અને અમદાવાદ શહેર-ગ્રામ્ય તથા રાજકોટ,સુરત અને વડોદરમાં પરીક્ષા લેવામા આવી હતી.
જેમાં અમદાવાદ જીલ્લામાંસૌથી વધુ ૩૦ હજારથી વધુ ઉમેદવારે પરીક્ષા આપી છે. રાજકોટમાં ૨૦૦૨૪,સુરતમાં ૧૮૯૦૫ અને વડોદરામાં ૧૨૫૫૩ ઉમેદવારે પરીક્ષા આપી હતી.સમગ્ર રાજ્યમાંથી ૯૮૨૫૩ ઉમેદવારો નોંધાયા હતા જેમાંથી ૧૬૭૯૦ જેટલા ઉમેદવાર ગેરાહજર રહેતા અંદાજે ૮૨.૭૩ ટકા ઉમેદવારે પરીક્ષા આપી છે.ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે પેપર એકંદરે સરળથી મધ્યમ હતુ.બે દિવસમાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાશે અને અંદાજે એક મહિના બાદ પરિણામ જાહેર થશે.




