Get The App

સૌરાષ્ટ્રમાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં 6000થી વધુ મેડિકલ સ્ટોર્સ રોષભેર બંધ

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રમાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં 6000થી વધુ મેડિકલ સ્ટોર્સ રોષભેર બંધ 1 - image

રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ હડતાળને સજ્જડ પ્રતિસાદ : રાજકોટ સહિતના શહેરો-ગામોમાં કેમિસ્ટોએ એકત્ર થઈને સુત્રોચ્ચાર કર્યા : દર્દીઓના જીવ જોખમમાં ન મુકાઈ એ માટે અમુક મેડિકલ સ્ટોર ખુલ્લા રખાયા

રાજકોટ, : ઈ-ફાર્મસી એટલે કે ઓનલાઈન દવાઓના આડેધડ વેચાણ અને કોર્પોરેટ પ્લેટફોર્મ્સ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી બંધના એલાનને આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાપક અને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. રાજકોટ, જામનગર, અમરેલી, ખંભાળિયા અને મોરબી સહિતના શહેરો-ગામોમાં નાના-મોટા તમામ કેમિસ્ટોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને આ આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો.

રાષ્ટ્રવ્યાપી બંધના પગલે સૌરાષ્ટ્રના અગ્રણી શહેરો અને તાલુકા મથકોમાં મેડિકલ સ્ટોર્સ પર સવારથી જ તાળા લટકેલા જોવા મળ્યા હતા. રાજકોટ શહેર-જિલ્લામાં 1500થી વધુ કેમિસ્ટોએ હડતાલ પાડીને સુત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટમાં મોટી ટાંકી ચોક નજીક ધરણાં અને સૂત્રોચ્ચાર બાદ જિલ્લા વહિવટી તંત્રને આવેદનપત્ર આપી ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ મુકવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. જામનગરમાં 700 જેટલા નાના-મોટા મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. અમરેલી જિલ્લામાં મુખ્ય મથક અમરેલી ઉપરાંત સાવરકુંડલા, બાબરા અને વડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. જામ ખંભાળિયામાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના નેજા હેઠળ આશરે 70 થી 80 જેટલા મેડિકલ સ્ટોર્સ આ હડતાળમાં જોડાયા હતા. મોરબી શહેરના અંદાજે 150 જેટલા મેડિકલ સ્ટોર સંચાલકોએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. એ જ રીતે ફલ્લા સહિતના ગામોમાં પણ મેડીકલ સ્ટોર બંધ રહ્યા હતા. આ સાથે દર્દીઓને હેરાનગતિ ન થાય અને જીવ જોખમમાં ન મુકાય એ માટે કેટલાક મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા હતા.