Get The App

જ્યારે સાડી પહેરીને 16થી 80 વર્ષની મહિલાઓ દોડી, વડોદરામાં 4000થી વધુ નારી શક્તિએ આપ્યો ફિટનેસ અને સંસ્કૃતિનો સંદેશ

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
જ્યારે સાડી પહેરીને 16થી 80 વર્ષની મહિલાઓ દોડી, વડોદરામાં 4000થી વધુ નારી શક્તિએ આપ્યો ફિટનેસ અને સંસ્કૃતિનો સંદેશ 1 - image


Vadodara: આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે આજે રવિવારે વડોદરાના કીર્તિ સ્તંભ ખાતે એક અનોખા કાર્યક્રમ,‘સાડી ગૌરવ રન’નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરા અને આધુનિક ફિટનેસનો સંદેશ આપતી આ રનમાં 4,000થી વધુ મહિલાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે શહેરના માર્ગો પર એક મનમોહક અને રંગબેરંગી દ્રશ્ય સર્જાયું હતું.

પરંપરાગત પોષાકમાં નારી શક્તિનો પ્રવાહ

વિવિધ પ્રકારની અને રંગબેરંગી સાડીઓમાં સજ્જ મહિલાઓ જ્યારે શહેરના માર્ગો પર દોડતી નજરે પડી, ત્યારે સૌ કોઈ અચંબામાં મુકાયા હતા. આ 3 કિલોમીટરની પ્રેરણાદાયી રનમાં 16 વર્ષની યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને યુવાનોએ ભાગ લીધો હતો.

ખાસ કરીને, દિવ્યાંગ મહિલાઓ વ્હીલચેર પર જોડાઈને સૌ માટે પ્રેરણારૂપ બની હતી. ભાગ લેનાર તમામ મહિલાઓએ આ પર્વ દરમિયાન ફિટનેસ અને સ્વસ્થ જીવન માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી.

જ્યારે સાડી પહેરીને 16થી 80 વર્ષની મહિલાઓ દોડી, વડોદરામાં 4000થી વધુ નારી શક્તિએ આપ્યો ફિટનેસ અને સંસ્કૃતિનો સંદેશ 2 - image

રાજમાતાની ઉપસ્થિતિ અને શી ટીમનું નેતૃત્વ

આ 'સાડી ગૌરવ રન'નું ફ્લેગ ઓફ રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસની વિશેષ ‘શી ટીમ’એ ગુલાબી સાડીમાં સજ્જ થઈને દોડની આગેવાની લીધી હતી, જેણે મહિલા સશક્તિકરણનું મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દોડની શરૂઆત ઉર્જાસભર ઝુમ્બા સેશનથી થઈ હતી, જેણે દોડવીરોમાં જોશ ભર્યો હતો, જ્યારે સમાપન વડોદરાની સંસ્કૃતિને અનુરૂપ ગરબા સાથે ઉત્સાહભર્યું રહ્યું હતું.

આયોજકોએ જણાવ્યું હતું કે, "આ રન દ્વારા મહિલા સશક્તિકરણ, ભારતીય સંસ્કૃતિના જતન અને ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનને વધુ વેગ મળ્યો છે. સાડી માત્ર વસ્ત્ર નથી, પણ આપણી ઓળખ છે અને ફિટનેસ સાથે તેનું જોડાણ યુવાનોને પ્રેરણા આપશે."

દોડ પૂર્ણ કરનાર તમામ મહિલાઓને મેડલ અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ સાડી ગૌરવ રન, વડોદરામાં મેરેથોનના ઉત્સાહને વધારવાની સાથે, પરંપરાગત પોશાકમાં ફિટનેસને અપનાવવાનો એક મજબૂત અને પ્રેરક સંદેશ લઈને આવ્યું છે.