નેપાળમાં 150થી વધુ ગુજરાતીઓ સંપર્કવિહોણા થયાની આશંકા, પરિવારોમાં ચિંતાનો માહોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Flood: નેપાળ-તિબેટ સરહદે સર્જાયેલી કુદરતી હોનારત અને વિનાશક પૂરના કારણે કૈલાસ માનસરોવર યાત્રા તથા પ્રવાસે ગયેલા ભારતીયો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નેપાળ પૂર પ્રકોપમાં સંપર્ક વિહોણા થયેલા લોકોનો કુલ આંકડો 150થી વધુ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ દરમિયાન, ગુજરાતના વધુ આઠ પ્રવાસીઓ લાપતા બન્યા છે. આ સાથે જ નેપાળમાં ગુમ થયેલા કુલ ગુજરાતીઓનો આંકડો વધીને 24 પર પહોંચી ગયો છે. આપત્તિના આ સમાચાર મળતા જ પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. રાજ્ય સરકાર આ મામલે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે.
અમરેલી-આણંદ સહિત અમેરિકા-કેનેડાના NRG હજુ પણ લાપતા
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુમ થયેલા પ્રવાસીઓ નેપાળ-ચીન સરહદ નજીક પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક જળપ્રલયની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના કારણે ટેલિફોન અને ઈન્ટરનેટ નેટવર્ક સંપૂર્ણ ઠપ થઈ જતાં પરિવારજનોનો તેમના સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ ઘટનામાં એક નવો વળાંક એ આવ્યો છે કે, સંપર્કવિહોણાં ગુજરાતીઓમાં બિનનિવાસી ભારતીય હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, લાપતા બનેલા લોકોમાં બે અમેરિકા અને બે કેનેડાના સ્થાયી વતની છે, જેઓ નેપાળ પ્રવાસે આવ્યા હતા. વિદેશી નાગરિકત્વ ધરાવતા આ ગુજરાતીઓની સલામતી માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિગતો મેળવવામાં આવી રહી છે.
ટૂર ટ્રાવેલ્સ એજન્ટોએ શંકા વ્યક્ત કરી છેકે, ચીન-તિબેટ સરહદે ઈમિગ્રેશન પ્રક્રિયા ચાલી રહી હતી તે જ સમયે ઈમિગ્રેશન સેન્ટર પર નેપાળના મુલાકાતીઓની સંખ્યા વધુ હતી. તે વખતે જ નદીઓમાં પૂર આવતા જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સરહદી વિસ્તારમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા કટોકટી સર્જાઈ હતી. પૂરના પાણીનો પ્રવાહ એટલો વધુ હતોકે, ઈમિગ્રેશન સેન્ટર પણ તબાહ થયુ છે. આ સ્થળે સૌથી વધુ ઘણાં લોકો તણાયા હોવાની આશંકા છે. આ તણાયેલા લોકોમાં પણ ગુજરાતી પ્રવાસીઓ હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.
વલસાડના રોમા ઈંટવાળા સુરક્ષિત બચાવકાર્ય માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર એક્શન મોડમાં
આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. નેપાળ પ્રવાસે ગયેલા વલસાડના રોમાબહેન ઈંટવાળા નેપાળમાં સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. વલસાડના મામલતદારે રોમાબહેન સાથે સંપર્ક સાધીને તેઓ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે, જેથી તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર મારફતે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરીને ગુજરાતીઓને એરલિફ્ટ કરવા અને સલામત સ્થળે ખસેડવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
વધુ ગુમ થયેલા ગુજરાતીઓની યાદી
•દિનેશ પટેલ, અમરેલી (અમેરિકા)
•શિલ્પાબહેન પટેલ, આણંદ-ખેડા (અમેરિકા)
•કામતાપ્રસાદ બાબુલાલ ઉર્ફે ગોમતીદાસબાપુ, જાફરાબાદ
•પદ્માબહેન પટેલ, કેનેડા
•જગદીશ પટેલ, આણંદ (કેનેડા)
•બીનાબહેન પરીખ, અમદાવાદ(અમેરિકા)
•પૂનમ ઠક્કર, અમદાવાદ (અમેરિકા)
•ભાવિકા રામજી, સુરત (સાઉથ આફ્રિકા)
આગામી વર્ષે ચાઇના સરહદ પર કૈલાશ માનસરોવર યાત્રાએ જઈ શકાશે કેમ એ મુદ્દે હવે પ્રશ્નાર્થ સર્જાયો
ચાઇના સરહદ પરથી કૈલાશ માન સરોવર યાત્રાએ જઈ શકાશે કે કેમ તે મુદ્દે સવાલ ઉઠ્યો છે તેનું કારણ એછેકે, ચાઇના સરહદ પર ઈમિગ્રેશન ઓફિસ સહિત બહુ જુ પૂરમાં તણાયુ છે. મોટી સંખ્યામાં લોકો ગુમ થયા હોવાની આશંકા છે. આ જોતાં એકાદ વર્ષમાં આ બધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ થશે તો જ યાત્રા સંભવ થઈ શકશે.
પ્રવાસીઓ સુરક્ષિત પણ પરત ફરવા માટે વધુ ખર્ચ કરવો પડશે
કૈલાશ માનસરોવરની યાત્રાએથી પરત કરતાં ગુજરાતીઓ યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. હવે જ્યારે પૂરને કારણેચાઇના બોર્ડર રૂટ સંપૂર્ણપણે બંધ થયો છે. આ સંજોગોમાં પરમિટ મળે તો, બીજા રૂટથી પરત કરવું પડે. ટ્રાવેલ્સ એજન્ટોનું કહેવું છેકે, પરમિટ ચેન્જ કરીને 400 કિમીનું અંતર કાપી વધારાનો ખર્ચ કરીને કાઠમંડુ પરત કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત પૂરની સ્થિતિમાં હોટલ-ઘરો તણાયાં છે ત્યારે પ્રવાસીઓ મુશ્કેલીભરી સ્થિતિમાં મુકાયાં છે. હવે ગુજરાતીઓ પ્રવાસીઓ સરકારની મદદની રાહ જોઈ રહ્યાં છે. હાલ લાસા રૂટ સંપૂર્ણ સુરક્ષિત છે.




