Gujarat

મોહનનો રથ મંદિર પરિસરમાં જ ક્વોરેન્ટાઇન

By GS Team
23 Jun 20202 mins read
This article was originally published on 23 Jun 2020
મોહનનો રથ મંદિર પરિસરમાં જ ક્વોરેન્ટાઇન

ગાંધીનગર, તા. 23 જૂન 2020, મંગળવાર

અષાઢી બીજે ગાંધીનગરમાં નીકળતી રથયાત્રા એક ધાર્મિક પર્વની સાથે સાથે કોમી એકતા અને લોકોત્સવ બની ગઇ છે. ત્યારે આ વખતે કોરોનાના કપરાકાળમાં ભગવાને પણ મંદિરમાં રહીને જાણે ભક્તોને ઘરમાં રહીને સુરક્ષિત રહેવાનો સંદેશો આપ્યો હોય તેમ ભગવાન મંદિરમાં જ રથ સાથે કવોરેન્ટાઇન થઇ ગયાં હતાં. જો કે, પંચદેવ મંદિર પુરતી સિમીત રહેલી આ રથયાત્રાના દર્શન માટે ભક્તો ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. 

અમદાવાદમાં કોમી રમખાણોને પગલે ૧૯૮૫થી શરૃ થયેલી ગાંધીનગરની રથયાત્રામાં દર વર્ષે નવા આયામો ઉમેરાતાં જતાં હતાં. ગુજરાતની સૌથી લાંબી ૩૧ કિ.મી. રથયાત્રા આ વખતે કોરોનાની મહામારીના પગલે પંચદેવ મંદિર પુરતી સિમીત રહી ગઇ હતી. પરંપરા જાળવી રાખવા માટે ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી, બહેન સુભદ્રાજીની મૂર્તિને સજાવીને રથમાં આજે સવારે સવાર કરવામાં આવ્યાં હતાં. ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ અને કેટલાક સ્વયંસેવકો તથા મહાનુભાવોની હાજરીમાં ભગવાનની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પંચદેવ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાંથી રથયાત્રાને પંચદેવ યુવક મંડળના સભ્યોએ ખેંચીને બહાર રોડ ઉપર કાઢી હતી અહીં જય રણછોડના નાથ સાથે વાતાવરણ ભક્તિમય થઇ ગયું હતું. ત્યારબાદ ભક્તો કોરોનાની મહામારી ભુલીને ગરબે ઘુમ્યાં હતાં. જો કે પોલીસની હાજરીમાં રથયાત્રા સમિતીએ રથને પરત મંદિરમાં જ લઇ જવાના સંકેત આપ્યા હતાં. જેથી સ્વયંસેવકોએ રથ મંદિરમાં હનુમાજીની દેરી તરફના દ્વાર પાસે લઇ ગયા હતા. જ્યાં ભગવાનની ફરી આરતી થઇ હતી અને રથને મંદિર પાસે દર્શન માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. અહીં સ્વયંસેવકો દ્વારા ભક્તોને સતત માસ્ક પહેરવા અને સોશ્યલ ડીસ્ટસીંગ રાખવા માટે સુચના આપવામાં આવતી હતી પરંતુ ભગવાનના દર્શનમાં લીન ભક્તો કોરોનાનો કપરોકાળ ભુલી ગયા હોય તેમ લાગતું હતું. 

સમિતિના અધ્યક્ષ દિનેશ કાપડીયાએ જણાવ્યું હતું કે, મહામારીને ધ્યાનમાં રાખીને પોલીસ તરફથી મળેલી સુચના તથા રોગચાળો પ્રસરે નહીં તે માટે રથયાત્રા સિમીત કરવામાં આવી હતી પરંતુ ભક્તોનો પ્રવાહ મોડી સાંજ સુધી અવિરત રહ્ય હતો. 

પ્રકૃતિનું જતન કરવાની સાથે કુદરતના ખોળાને મેલો નહીં કરવાની શીખ આ કોરોનામાંથી મળી રહી છે ત્યારે ભગવાન પણ ભક્તોની સુખાકારી ઇચ્છે છે જેથી આ વખતે તેઓ પણ નગરચર્યાએ નીકળ્યા નથી તેમ મંદિરના મહંત ફુલશંકર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું.