Gujarat

ધ્રાંગધ્રા સબજેલની બેરેક નં. 7 માંથી મોબાઈલ મળ્યા

By GS TEAM
20 Dec 20251 min read
ધ્રાંગધ્રા સબજેલની બેરેક નં. 7 માંથી મોબાઈલ મળ્યા

- જેલ પ્રશાસનની સલામતી વ્યવસ્થા સામે સવાલ

- બાથરૂમમાં ડોલ નીચેથી મોબાઈલ મળતા કેદી સામે કાર્યવાહી : અગાઉ ફોન ઝડપાયા હતા

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા સબજેલ એકવાર ફરી વિવાદોના ઘેરામાં આવી છે. સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ) દ્વારા હાથ ધરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જેલમાંથી પ્રતિબંધિત મોબાઈલ ફોન ઝડપાઈ જતાં જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

એસ.ઓ.જી.ની ટીમે જેલના કુલ ૦૮ બેરેકમાં રહેલા ૬૪ જેટલા કાચા કામના કેદીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન બેરેક નંબર ૦૭ના બાથરૂમમાં રાખેલી ડોલની નીચેના ભાગેથી એક સ્માર્ટફોન મળી આવ્યો હતો. આ અંગે જ્યારે બેરેકમાં રહેલા કેદીઓની પૂછપરછ કરવામાં આવી, ત્યારે કોઈએ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. અંતે, પોલીસે એક કેદી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આ જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી ચૂકી છે.

સબજેલમાંથી વારંવાર મોબાઈલ અને અન્ય સામગ્રી મળી આવતા સ્થાનિક જેલ કર્મચારીઓની મિલીભગતની આશંકા સેવાઈ રહી છે. લોકમુખે એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે, શું જેલમાં કેદીઓને નાણાંના જોરે સુખ-સાહેબી અને પ્રતિબંધિત વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે? આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જેલની કડક સુરક્ષા અને કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.