Gujarat

'કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો': મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર

By GS TEAM
14 Dec 20253 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર તંત્ર દ્વારા આયોજિત 'અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ'માં શનિવારે ગ્લેમર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અહીં 'સ્વદેશી' થીમ પર આધારિત એક ભવ્ય ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2024 નિકિતા પોરવાલ અને ફેમિના મિસ ઈન્ડિયા 2024 ફર્સ્ટ રનર-અપ રેખા પાંડેએ ખાસ રેમ્પવોક કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો': મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર

Nikita Porwal Exclusive Interview: અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર તંત્ર દ્વારા આયોજિત 'અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ'માં શનિવારે ગ્લેમર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અહીં 'સ્વદેશી' થીમ પર આધારિત એક ભવ્ય ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2024 નિકિતા પોરવાલ અને ફેમિના મિસ ઈન્ડિયા 2024 ફર્સ્ટ રનર-અપ રેખા પાંડેએ ખાસ રેમ્પવોક કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 


આ પ્રસંગે નિકિતા પોરવાલે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે અમદાવાદના અનુભવ, આગામી મિસ વર્લ્ડ સ્પર્ધા અને ગુજરાતી સિનેમા વિશે ખુલ્લા મને ચર્ચા કરી હતી.

અમદાવાદમાં સૌથી સારું શું લાગ્યું

અમદાવાદ વિશે વાત કરતા નિકિતાએ કહ્યું હતું કે, 'અમદાવાદ આવીને ખૂબ સારું લાગ્યું. મારું ગ્રેજ્યુએશન બરોડામાં થયું હોવાથી હું ગુજરાત સાથે જોડાયેલી છું, પરંતુ અમદાવાદ આવવાની આ તક ખાસ હતી. અમદાવાદીઓ ખૂબ પ્રેમાળ છે અને તેમણે મારું જે રીતે સ્વાગત કર્યું અને જમાડ્યું તે જોઈને કહી શકાય કે અમદાવાદી વાઈબ ખૂબ જ વોર્મ અને વેલકમિંગ છે.' તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત એડવેન્ચર અને દિવ્યતાથી ભરેલું છે, તેથી દરેક વ્યક્તિએ ગુજરાતનો અનુભવ લેવો જોઈએ.

મિસ વર્લ્ડ 2026: માત્ર લૂક નહીં, સંવેદનશીલતા પણ જરૂરી 

2026માં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધાની તૈયારી અંગે નિકિતાએ જણાવ્યું હતું કે, માત્ર રેમ્પ વોક, હેર સ્ટાઈલ કે મેકઅપ જેવી બાહ્ય તૈયારીઓ જ પૂરતી નથી. એક મિસ વર્લ્ડ કેવી રીતે વિચારે છે અને કેટલી સંવેદનશીલતા ધરાવે છે, તે માટે આંતરિક તૈયારી પણ એટલી જ જરૂરી છે. તેમણે કહ્યું, 'હું મારી પર્સનાલિટી ડેવલપમેન્ટ પર પૂરતું ધ્યાન આપી રહી છું અને આશા રાખું છું કે જ્યારે હું મિસ વર્લ્ડમાં જાઉં ત્યારે દરેક ભારતીયના આશીર્વાદ મને મળે.'

ગુજરાતી સિનેમા અને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ 

ફિલ્મો વિશે વાત કરતા નિકિતાએ ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, 'ભલે મેં 'લાલો' ફિલ્મ જોઈ નથી, પણ તેના વિશે ઘણું સાંભળ્યું છે. બોલિવૂડની નજર હવે સાઉથ અને ગુજરાતી સિનેમા તરફ છે તે સરાહનીય બાબત છે.' 


હું મારા જીવનમાં મારા મિત્રોની ખૂબ નજીક છું

પોતે કૃષ્ણ લીલા પર 250 પેજનું નાટક લખ્યું હોવાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, શ્રીકૃષ્ણ અને સુદામાના મિલનનો પ્રસંગ તેમનો સૌથી પ્રિય છે, જે સાચી મિત્રતા અને પ્રેમનું પ્રતિક છે. હું મારા જીવનમાં મારા મિત્રોની ખૂબ નજીક છું. હું ફ્રેન્ડશિપને ખૂબ મહત્ત્વ આપું છું તો, જ્યારે સુદામા મિલનનો જે પ્રસંગ શ્રીકૃષ્ણ લીલામાં છે તે મારો સૌથી વધુ પસંદનો પ્રસંગ છે. અને હું ગુજરાતમાં હતી ત્યારે મને સુદામા ટેમ્પલ જવાની તક મળી હતી. મને લાગે છે આવો પ્રસંગ જે આપણા જીવનમાં અસલી દોસ્તી શું હોય છે અને પ્રેમ શું હોય છે તે સમજાવે છે તે પ્રસંગ છે મારા જીવનમાં ખૂબ પ્રભાવ લાવે છે.

ફૂડ અને ફિટનેસ મંત્ર

'અતિ સર્વત્ર વર્જયતે' વધતા ફૂડ કલ્ચર અને સ્વાસ્થ્ય વિશે યુવાનોને સલાહ આપતા નિકિતાએ કહ્યું હતું કે, જીવનમાં એક બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. 'જીંદગી એક જ છે તો ખાઓ અને પીઓ, પણ સાથે ડિસિપ્લિન, ડાયટ અને વર્કઆઉટનું બેલેન્સ રાખો. કોઈપણ વસ્તુનો અતિરેક ખરાબ છે, પછી ભલે તે સારી વસ્તુ હોય કે ખરાબ,' તેમ તેમણે ઉમેર્યું હતું.

અંતમાં, યંગ ગર્લ્સને સંદેશ આપતા તેમણે કહ્યું હતું કે, 'દરેક છોકરીની પોતાની એક યુનિક સ્ટોરી હોય છે. કોઈ બીજાની સ્ટોરી કોપી કરવાને બદલે તમારી પોતાની કહાણી સાથે આગળ વધો, સફળતા જરૂર મળશે.'