Get The App

નવીનીકરણની કામગીરી વચ્ચે ખાસવાડી સ્મશાનમાં સુવિધાનો અભાવ : વરસાદ પડતાં સળગતી ચિતા પર પતરા ઢાંકવાની ફરજ પડી

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
નવીનીકરણની કામગીરી વચ્ચે ખાસવાડી સ્મશાનમાં સુવિધાનો અભાવ : વરસાદ પડતાં સળગતી ચિતા પર પતરા ઢાંકવાની ફરજ પડી 1 - image

Vadodara : વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનના નવીનીકરણની કામગીરી હાલમાં ચાલી રહી છે. જોકે આ કામગીરી દરમિયાન વારંવાર અસુવિધાઓ અંગે ફરિયાદો ઉઠતી રહી છે. આજે અચાનક વરસેલા વરસાદના કારણે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવેલા સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદથી સળગતી ચિતા ભીંજાઈ ન જાય તે માટે તેના પર પતરા ઢાંકવાની ફરજ પડતા મૃતકના સ્નેહીજનોમાં નારાજગી ફેલાઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વરસાદ શરૂ થતાં અંતિમ વિધિ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સળગતી ચિતાને વરસાદથી બચાવવા માટે તાત્કાલિક પતરા ગોઠવવાની સ્થિતિ સર્જાતા સ્મશાનમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે અનેક સવાલો ઊભા થયા છે.

અંતિમ સંસ્કાર માટે આવેલા એક જાગૃત નાગરિકે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા વિવિધ પ્રકારના વેરાની વસૂલાત કરે છે, પરંતુ નાગરિકોના જીવનની અંતિમ યાત્રા સાથે સંકળાયેલા સ્થળોએ પણ મૂળભૂત અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. તેમણે આ ઘટનાને શરમજનક ગણાવી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

ખાસવાડી સ્મશાનના નવીનીકરણ દરમિયાન અગાઉ પણ અસુવિધા અને અવ્યવસ્થાની ફરિયાદો સામે આવી ચૂકી છે. આજે બનેલી ઘટનાએ ફરી એકવાર સ્મશાનમાં ઉપલબ્ધ સુવિધાઓ અને કામગીરીની ગુણવત્તા અંગે ચર્ચા જગાવી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરના સ્મશાનોમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે અધિકારીઓને ટકોર કરી હતી અને જરૂરી સુધારા કરવા સૂચના આપી હતી.