Gujarat

વિદેશ મોકલવાના બહાને લાખોની ઠગાઇના કેસમાં ડભોઇ પોલીસ ઊંઘતી રહી અને ભેજાબાજ લંડન ફરાર થઇ ગયો

By GS TEAM
16 Oct 20252 mins read
વિદેશ મોકલવાના બહાને લાખોની ઠગાઇના કેસમાં  ડભોઇ પોલીસ ઊંઘતી રહી અને ભેજાબાજ લંડન ફરાર થઇ ગયો

વડોદરા, તા.16 કેનેડા મોકલવાના નામે કાયાવરોહણના દંપતી સાથે રૃા.૩૩.૭૨ લાખની છેતરપિંડી કરનાર વડોદરાના માંજલપુર વિસ્તારની શિવાય ઓવરસિઝ નામની એજન્સીના ભેજાબાજ મિલીન પટેલની તાત્કાલિક ધરપકડ કરવાના બદલે ડભોઇ પોલીસે તેને છુટ્ટો દોર આપતા તે લંડન ભાગી ગયો હોવાની વિગતો બહાર આવી છે.

કાયાવરોહણ ગામે વાટાવગામાં રહેતી નેન્સી પટેલ અને તેના પતિ સુનિલ પટેલને લંડન જવાનું હોવાથી મિલીન ઇન્દ્રવદન પટેલ (રહે.ટાંકી ખડકી, કંડારી, હાલ શિવાય ઓવરસિઝ, શ્લોક કોમ્પ્લેક્સ, માંજલપુર અતિથિગૃહની સામે, માંજલપુર)નો સંપર્ક કર્યો હતો. મિલીને ડોક્યૂમેન્ટ તેમજ રોકડ લીધા બાદ લંડન મુશ્કેલ છે તમને કેનેડા મોકલી આપું તેમ કહી તબક્કાવાર રૃા.૩૩.૭૨ લાખ પડાવી લીધા હતાં.

પતિ અને પત્ની બંને કેનેડા ગયા ત્યારે એરપોર્ટ પરથી જ પરત ફરવું પડયું હતું. આ અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં નેન્સી પટેલે અરજી આપતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાદમાં તા.૯ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ડભોઇ પોલીસે મિલીન પટેલ સામે લાખોની ઠગાઇની ફરિયાદ નોંધી તાત્કાલિક તેની સામે કાર્યવાહી કરવાના બદલે ભેજાબાજને છુટ્ટો દોર આપી દીધો હતો.

બે દિવસ સુધી બિન્ધાસ્ત પોતાની ઓફિસ ખોલીને બેસતા મિલીન પટેલ પાસે અનેક લોકોએ આવી પૈસાની માંગણી શરૃ કરતાં જ તેને ઓફિસ બંધ કરી દીધી અને તાત્કાલિક તે ફરાર થઇ ગયો હતો. પોલીસમાં અરજી થઇ ત્યારે જ ડભોઇ પોલીસને ખબર હતી કે મિલીન પટેલે વિદેશ મોકલવાના બહાને અનેક લોકો સાથે ઠગાઇ કરી છે જેથી તાત્કાલિક કાર્યવાહી કરવાના બદલે તેને ફરાર થવામાં મદદ કરી હોય તેમ હવે તે મળતો નથી.

પોલીસે જણાવ્યું હતું કે અમે તેના ઘેર તપાસ કરી તો ખબર પડી કે તે લંડન જતો રહ્યો છે. સામાન્ય સંજોગોમાં આરોપીને પોલીસ પકડી લાવે એટલે તુરંત જ ગુનો દાખલ કરી ધરપકડ બતાવતી હોય છે પરંતુ લોકો સાથે લાખો રૃપિયાની ઠગાઇ છતાં તેની સામે કુણું વલણ દર્શાવ્યું હતું.