Get The App

મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે ફ્રૂટ ઉદ્યોગ પણ સંકટમાં, જુઓ ઈરાન સાથે કઈ-કઈ વસ્તુની આયાત-નિકાસ બંધ

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે ફ્રૂટ ઉદ્યોગ પણ સંકટમાં, જુઓ ઈરાન સાથે કઈ-કઈ વસ્તુની આયાત-નિકાસ બંધ 1 - image


Surat News : રશિયા-યુક્રેન બાદ હવે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર તમારા ફ્રૂટ બાસ્કેટ પર પડી રહી છે. હોર્મુઝ ખાડીમાં સર્જાયેલા અવરોધને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ફ્રૂટ માર્કેટમાં વિદેશી ફળોની આવક પર બ્રેક વાગી ગઈ છે, જ્યારે ભારતથી થતી નિકાસ ખોરવાતા સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ પણ ચિંતામાં મૂકાયા છે.

હોર્મુઝ ખાડીનો રૂટ બંધ થતાં મુશ્કેલી વધી

અત્યાર સુધી વિદેશી ફળો ઈરાનની હોર્મુઝ ખાડી મારફતે મુંબઈના નાવાશેવા પૉર્ટ પર પહોંચતા હતા. યુદ્ધને કારણે આ રૂટ પર જહાજોની અવરજવર જોખમી બનતા હવે એક્સપોર્ટરોએ લાંબો રસ્તો પસંદ કરવો પડી રહ્યો છે. પરિણામે જે ફળો 10 દિવસમાં ભારત પહોંચતા હતા, તેને હવે એક મહિનો લાગે છે. લાંબા પ્રવાસને કારણે કન્ટેનરમાં જ ફળો બગડી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતાં આયાતી ફળોના ભાવમાં 15થી 20 ટકાનો ઉછાળો આવ્યો છે.

આ પણ વાંચો : મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો

કયા ફળો પર પડી અસર?

ઈરાનથી આવતા કીવી અને સફરજનની સપ્લાય ચેઇન સદંતર ખોરવાઈ ગઈ છે. બજારમાં તેની ભારે અછત વર્તાઈ રહી છે. બીજી તરફ ભારતથી મિડલ ઈસ્ટના દેશો જેવા કે દુબઈ, કતાર, સાઉદી અરબ અને ઈઝરાયલ જેવા પડોશી દેશોના રૂટમાં મોકલવામાં આવતી કેરી, દ્રાક્ષ અને ટામેટાની નિકાસ પણ અટકી પડી છે.

સુરતના કેળાના ભાવ તળિયે

નિકાસ અટકવાનો સૌથી મોટો ફટકો સુરત જિલ્લાના કેળાના ઉત્પાદકોને પડ્યો છે. મિડલ ઈસ્ટમાં એક્સપોર્ટ થતાં કેળા હવે સ્થાનિક બજારમાં ઠલવાઈ રહ્યા છે. જેના કારણે સામાન્ય રીતે 20થી 22 રૂપિયે ડઝન વેચાતા કેળા અત્યારે 10થી 15 રૂપિયામાં વેચવા વેપારીઓ મજબૂર બન્યા છે. નિકાસ ન થવાથી વેપારીઓ અને એક્સપોર્ટરોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. હાલ તો ફ્રૂટ માર્કેટના વેપારીઓ અને એક્સપોર્ટરો એક જ આશા રાખી રહ્યા છે કે મધ્યપૂર્વમાં શાંતિ સ્થપાય અને વેપાર ફરી પાટા પર ચઢે.