Gujarat

વડોદરાના તરસાલીમાં MGVCLની જીપ બેકાબૂ થઈને મકાનમાં ઘૂસી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

By GS TEAM
21 Feb 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં એક અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. બંસલ મોલની સામેના રોડ પર એમજીવીસીએલ (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની એક ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સીધી જ સામે આવેલા એક મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના તરસાલીમાં MGVCLની જીપ બેકાબૂ થઈને મકાનમાં ઘૂસી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Vadodara News: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં એક અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. બંસલ મોલની સામેના રોડ પર એમજીવીસીએલ (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની એક ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સીધી જ સામે આવેલા એક મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે.

એમજીવીસીએલની સરકારી ગાડી પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે તરસાલીના બંસલ મોલ પાસે ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. ગાડી એટલી ઝડપમાં હતી કે તે રોડ વચ્ચેના ડિવાઈડર પરથી ઉછળીને સામેના મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, મકાનની દિવાલ તૂટી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ગાડીમાં એમજીવીસીએલના ચાર કર્મચારીઓ સવાર હતા. અકસ્માત થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જે બાદ ચારેય કર્મચારીઓ ગાડીને ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા.


ટક્કરનો અવાજ એટલો ભયાનક હતો કે રહીશોમાં ફાળ પડી હતી. ઘટનાની જાણ થતા મકરપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહે છે કે, સરકારી વાહન દ્વારા થયેલા આ નુકસાન અને લાપરવાહી બદલ મકરપુરા પોલીસ અને વીજ કંપની તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે?