Gujarat

વડોદરાની સ્નેહ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મેડિક્લેમ કૌભાંડ, ત્રણ દર્દીના બોગસ ક્લેમ પકડાતાં ગુનો નોંધાયો

By GS TEAM
16 May 20262 mins read
TukuTouch Logo
વડોદરાની એક હોસ્પિટલ દ્વારા બોગસ ક્લેમ મેળવવા માટે ફાઈલો મૂકવામાં આવી હોવાની વિગતો ખુલતા હોસ્પિટલના જવાબદાર સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની સ્નેહ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મેડિક્લેમ કૌભાંડ, ત્રણ દર્દીના બોગસ ક્લેમ પકડાતાં ગુનો નોંધાયો

Vadodara Mediclaim Scam : વડોદરાની એક હોસ્પિટલ દ્વારા બોગસ ક્લેમ મેળવવા માટે ફાઈલો મૂકવામાં આવી હોવાની વિગતો ખુલતા હોસ્પિટલના જવાબદાર સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. 

અમદાવાદની ફિનિક્સ ઇન્સ્યોરન્સ કંપનીના લીગલ મેનેજર પ્રશાંતભાઈ પવારે પોલીસને કહ્યું છે કે અમારી કંપની ઇન્સ્યોરન્સ કંપનીમાં મુકાતા મેડીક્લેમ તપાસી ઇન્સ્યોરન્સ કંપનીને રિપોર્ટ કરવાનું કામ કરે છે. અમારી કંપની દ્વારા બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના મેડીક્લેમ ઇન્વેસ્ટિગેશનનું કામ કરવામાં આવે છે. જો કોઈ હોસ્પિટલ દ્વારા ખોટા ક્લેમ મૂકવામાં આવે તો તેની સામે કોર્ટ તેમજ પોલીસ ફરિયાદ કરવાની અમારી પાસે સત્તા છે.

ઉપરોક્ત ત્રણેય ઇન્સ્યોરન્સ કંપની વડોદરાના સનફારમાં વિસ્તારમાં આવેલી સ્નેહ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે ટાયઅપ કરેલું છે. ડિસેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના અરવિંદ સરોજ નામના દર્દીના નામે ફાઈલ મૂકવામાં આવી હતી. જેમાં ડોક્ટર અક્ષિત પટેલ દ્વારા એક દિવસ દાખલ કરીને સારવાર કરી 2.44 લાખનો લોંબાડ જનરલ ઇન્સ્યોરન્સમાં ક્લેમ મૂકવામાં આવ્યો હતો. ફાઈલમાં તમામ ઇન્વેસ્ટિગેશનના પેપર અને ટ્રીટમેન્ટના કાગળ મુકવામાં આવ્યા હતા.

પ્રશાંતભાઈએ વધુમાં જણાવ્યું છે કે, આવી જ રીતે હરિયાણાના કમલ દેવના નામે કેર હેલ્થ ઇન્સ્યોરન્સમાં 1.71 લાખનો મેડિક્લેમ મૂકવામાં આવ્યો હતો. આ દર્દીની પણ ડોક્ટર અક્ષિત પટેલ દ્વારા ઉતરાયણના એક દિવસની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ યુપીના સુમિત શુક્લને ડોક્ટર અક્ષિત દ્વારા જાન્યુઆરીમાં બે દિવસની સારવાર આપવામાં આવી હોવાની ફાઈલ મૂકી 2.09 લાખનો બિરલા ઇન્સ્યોરન્સ સમક્ષ ક્લેમ મૂકવામાં આવ્યો હતો.

ઉપરોક્ત ત્રણેય ફાઈલ બાબતે કંપની દ્વારા તપાસ કરવામાં આવતા અને ડોક્ટર અક્ષિત પટેલનો જવાબ લેવામાં આવતા ત્રણેય કેસમાં તેમણે સારવાર નહીં કરી હોવાની વિગતો બહાર આવી હતી. જેથી સ્નેહ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જવાબદાર વહીવટદારો દ્વારા તમામ બોગસ રિપોર્ટો બનાવી રૂ.6.24 લાખનો મેડીક્લેમ પકવવા માટે ગેરરીતિ આચરવામાં આવ્યું હોવાનું જણાય આવ્યું હતું. જેથી જેપી રોડ પોલીસે હોસ્પિટલના સંબંધિત વહીવટ કર્તા ઓ સામે ગુનો નોંધ્યો છે.