Get The App

VIDEO: જામનગરમાં તોફાની પવનથી ઉડેલો ડોમ વીજ તાર ઉપર લટક્યો, ભારે જહેમત બાદ નીચે ઉતારાયો

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: જામનગરમાં તોફાની પવનથી ઉડેલો ડોમ વીજ તાર ઉપર લટક્યો, ભારે જહેમત બાદ નીચે ઉતારાયો 1 - image


Jamnagar News: જામનગર શહેરમાં તોફાની પવનના કારણે લાલ બંગલા ધોરી માર્ગ પર આવેલા માધવ દર્શન કોમ્પ્લેક્સનો વિશાળ ડોમ ઉડી જઈ ઝાડ અને વીજ તાર ઉપર લટકી પડ્યો હતો. જેમાં સર્જાયેલી જોખમી પરિસ્થિતિને તંત્ર દ્વારા ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી કામગીરી બાદ ડોમને સલામત રીતે જમીન પર ઉતારવામાં આવ્યો હતો.

જામનગરમાં તોફાની પવનથી ઉડેલો ડોમ વીજ તાર ઉપર લટક્યો

મળતી માહિતી મુજબ, જામનગરમાં બુધવારે(13 મે) તેજ પવનના કારણે કોમ્પ્લેક્સની છત ઉપરનો વિશાળ ડોમ ઉડી ગયો હતો અને વીજ તાર તથા ઝાડની ડાળીઓ ઉપર લટકી પડ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

ફાયર બ્રિગેડ, પીજીવીસીએલની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ ડોમને નીચે ઉતાર્યો

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ તથા પોલીસ તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર શાખાના સ્ટેશન ઓફિસરના માર્ગદર્શન હેઠળ આઠ સભ્યોની ટીમે સતત ત્રણ કલાક સુધી કામગીરી હાથ ધરી હતી.

VIDEO: જામનગરમાં તોફાની પવનથી ઉડેલો ડોમ વીજ તાર ઉપર લટક્યો, ભારે જહેમત બાદ નીચે ઉતારાયો 2 - image

પ્રારંભિક તબક્કે હાઇડ્રા ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ ગેસ કટર અને ગ્રાઇન્ડરની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ગેસ કટરની મદદથી ડોમના લોખંડના એંગલ અને ભાગોને સાવચેતીપૂર્વક કાપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત, જહાજમાં ભરેલા લાકડાને જંતુમુક્ત કરતાં હતા

પછી પીજીવીસીએલની ટીમ દ્વારા નીચેમાંથી વીજ તારને અલગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ વિભાગોની સંયુક્ત અને સુચારૂ કામગીરીના કારણે આખરે ડોમને સલામત રીતે જમીન પર ઉતારી લેવામાં આવ્યો હતો.

સદનસીબે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોઈ જાનહાની કે ઇજા નોંધાઈ નહોતી. ઘટનાના અંતે રસ્તો ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.