Kandla Port Gas Leak Incident: કચ્છના કંડલા પોર્ટની જેટી પર જહાજમાં ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત નીપજ્યા છે. બુધવારે(13 મે) બપોરના સમયે ઈમારતી લાકડાં ભરેલાં જહાજમાં લાકડાંના જથ્થાને ઝેરી ગેસથી જીવજંતુરહિત બનાવવાની 'ફ્યુમિગેશન'ની પ્રક્રિયા દરમિયાન 'પાન ઓપ્ટિમમ' નામની કાર્ગો શીપમાં દુર્ઘટના બની હતી.
કંડલા પોર્ટ પર ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત
મળતી માહિતી મુજબ, કંડલા પોર્ટ પર જેટી નંબર 13 પર લાકડા ભરેલા જહાજમાં લાકડાંના જથ્થાને ઝેરી ગેસથી જીવજંતુરહિતની પ્રક્રિયા કરતી વખતે એક શ્રમિક ઝેરી ગેસની અસરથી ઢળી પડ્યો હતો. જો કે, તેની પાછળ અન્ય બે શ્રમિકો જતાં તેઓ પણ ઝેરી ગેસના કારણે ઢળી પડ્યા હતા.
સમગ્ર ઘટનાને પગલે પોર્ટ અધિકારી સહિતના કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબી સારવાર મળે તે પહેલા તેઓના મોત નીપજ્યા હતા. કામદારોના મોતથી પોર્ટ વિસ્તારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ હતી. મૂળ ઉત્તર પ્રદેશના શ્રમિકોના મોત મામલે સ્થાનિક પોલીસ અને કંડલા પોર્ટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કંડલા પોર્ટ ઓથોરિટીએ શું કહ્યું?
કંડલા પોર્ટ ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'આ જહાજ ઓસ્ટ્રેલિયાના પોર્ટલેન્ડથી દેવદારના લાકડાંનો જથ્થો લઈને આવ્યું હતું. દેવદારનું લાકડું ફર્નિચર, ફ્લોરિંગ, પેનલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.'
મૃતકોના નામ
- રાજકુમાર રામકિશોર કુમાર(ઉં.વ.36)
- માસુક અલી સુલતાન અલી(ઉં.વ.34)
- રાજેશ રામચંદ્ર(ઉં.વ.34)
'ફ્યુમિગેશન' એટલે શું?
'ફ્યુમિગેશન' (Fumigation) એ જંતુનાશક પ્રક્રિયા છે, જેમાં ઝેરી ગેસ અથવા ધુમાડાનો ઉપયોગ કરીને જીવાત, બેક્ટેરિયા કે અન્ય હાનિકારક જીવોનો નાશ કરવામાં આવે છે. આમ, વિદેશથી આવતા ઈમારતી લાકડાંનો જથ્થો લોડ કરતી વખતે અને અનલોડ કરતી વખતે ફ્યુમિગેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, જંગલોમાં કટિંગ થતાં લાકડાંની સાથેસાથે ઘણી વખત ઝેરી સરિસૃપ અને ઉધઈ, લાર્વા, ફંગસ અને સૂક્ષ્મ જીવજંતુ પણ ભરાઈ જતાં હોય છે. જેથી શીપના એરટાઈટ કન્ટેઈનર કે કમ્પાર્ટમેન્ટની અંદર ઝેરી ગેસ છોડીને લાકડાંને જંતુરહિત કરવાની પ્રક્રિયા કર્યા બાદ જ તેને અનલોડ કરાય છે અને પછી તેનું કસ્ટમ ક્લિયરન્સ ઈસ્યૂ કરવામાં આવે છે.


