Gujarat

બનાસકાંઠા જિલ્લામાં એક માસમાં 15 કેનાલમાં ગાબડાં પડતા મોટાપાયે ભ્રષ્ટાચારની બુમરાડ

By GS Team
28 Jan 20203 mins read
This article was originally published on 28 Jan 2020
બનાસકાંઠા જિલ્લામાં એક માસમાં 15 કેનાલમાં ગાબડાં પડતા મોટાપાયે ભ્રષ્ટાચારની બુમરાડ

પાલનપુર તા.27 જાન્યુઆરી, 2020, સોમવાર

બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલોમાં ગાબડાઓ પડવાનો સિલસિલો યથાવત રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ સરહદી વિસ્તારમાં તીડના કારણે ખેડૂતોને કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. અને હજી ખેડૂતોને વળતર પણ નથી મળ્યું ત્યાં બચેલો પાક વારંવાર કેનાલોમાં ગાબડા પડવાને કારણે પાણી ખેતરમાં વહી જતું હોવાથી ઉભેલા પાકને શોથ વળીજવા લાગ્યો છે. જેને લઇ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પણ વારંવાર કેનાલોમાં પડતા ગાબડાને લઇ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનની લેખિતમાં રજુઆત કરી તપાસની માંગ કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ, થરાદ અને સુઇગામમાંથી પસાર થતી કેનાલોમાં એક માસની અંદર ૧૬ જેટલા ગાબડાં પડતા પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા હતા. જેને લઇ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ સરહદી વિસ્તારોમાં ડિસેમ્બર ૨૦૧૯ તેમજ જાન્યુઆરી ૨૦૨૦ એમ બે માસમાં તીડના ઝુંડે ખેડૂતોના ખેતરોમાં ધામા નાખતા મોટાભાગે પાકનો સફાયો બોલાવી દીધો હતો. ત્યારે કેટલાક અંશે ખેડૂતોએ રાત-દિવસ ઉજાગરા કરી પાક બચાવ્યો હતો. પરંતુ હવે વધ્યો ઘટયો પાક કેનાલોમાં ગાબડા પડવાના કારણે પાણી ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને નુકશાન થઇ રહ્યું છે. જેમાં થરાદના ભોરોલ સીમમાં પસાર થતી કેનાલમાં ૨૦ ફુટનું ભંગાણ પડતાં ૩૬ કલાક જેટલો પાણીનો પ્રવાહ સતત ચાલુ રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે વધુ વાવના ભાટવર ગામની સીમમાંથી પસાર થતી કેનાલ મધરાતે કાગળની જેમ તુટી જતા ૨૦ ફુટનું ગાબડુ પડયું હતું. જેને લઇ ખેડૂતના ખેતરમાં ઉભેલા રવિ પાક રાઇના પાકમાં ઘુંટણ સમા પાણી ભરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે સરહદી વિસ્તારોમાં વારંવાર પડી રહેલા ગાબડાને લઇને કેનાલોમાં મોટાપાટે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત લોકયુક્તને લેખિત રજુઆત કરી તપાસની માંગ કરી જવાબદાર સામે પગલાં ભરવાની માંગ કરી હતી.

ઉલ્લેખનિય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનાની તીડે આંતક મચાવતા ખેડુતોના પાકને સફાયો બોલાવી દીધો હતો. જે સમસ્યા માંડ માંડ ટળતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. પરંતુ હવે ફરી પાછી નવી મુશ્કેલી ઉભ થઇ છે. કેનાલોમાં છાશવારે પડી રહેલ ગાબડાના કારણે પાણી ખેતરોમાં ફરી વળ્યાં હતા જેથી ખેડૂતો માથે પડતા પર પાટુ માર્યું જેવી સ્થિતિ સર્જાઇ છે.

કેનાલમાં એક મહિનાની અંદર ૧૬ ગાબડા પડયા

બનાસકાંઠાના સરહદી વાવ, થરાદ અને સુઇગામના ખેડૂતો માટે અધિકારીઓના પાપે કેનાલો માથાનો દુખાવા સમાન બની છે. કેનાલોમાં સાફ સફાઇ કર્યા વગર પાણી છોડી મુકાતા વારંવાર ગાબડા પડી રહ્યા છે. જેમાં જિલ્લામાં એક માસથી અંદર જ કેનાલોમાં ૧૬ જેટલા ગાબડા પડતા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની બુમરાડ ઉઠવા પામી છે.

ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજુઆત કરાઇ

થરદાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે વારંવાર પડતા કેનાલોમાં પડતા ગાબડાંને લઇને લોકાયુક્તમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મુખ્ય કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં હલકી ગુણવત્તા વાળી કામગીરીના કેનાલોમાં છાશવારે ગાબડા પડે છે જેથી ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ અને ઠેકેદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

છાશવારે કેનાલોમાં ગાબડા પડતા પાકને નુકશાન

સરહદી વિસ્તારોમાં વારંવાર કેનાલોના ગાબડાં ને લઇને કોઇ જાતની આજદિન સુધી રાજ્ય સરકાર દ્વારા તપાસના કરાતા ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતો નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

વાવ પંથકમાં વધુ એક ગાબડું પડયું

સરહદી વિસ્તારોમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેતા સોમવારે વાવ પંથકના જોડિયા ગોલમાલ માઇનોર કેનાલ ૩માં ગાબડું પડતા ખેતરો જળબંબાકાર થઇ ગયા હતા. જેથી ૧૦ એકર ખેતરોમા ંપાણી ફરી વળતા ઘઉંના પાકને નુકશાન થવા પામ્યું હતું. વારંવાર તંત્રને રજુઆત કરવા છતાં કોઇ તકેદારી લેવામાં આવતી હોવાનું જોવા મળ્યું હતું.