Get The App

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ 1 - image

Jamnagar : ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષા માટે કાર્યરત મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સ્થાનિક લોકો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધો વિકસાવવા, જનસંપર્કને વધુ મજબૂત બનાવવા તેમજ સુરક્ષા એજન્સી અને સ્થાનિક સમુદાય વચ્ચે સુમેળ જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા લોકો સુરક્ષા વ્યવસ્થાના મહત્વપૂર્ણ સહભાગી બની રહે અને કટોકટીની સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓને અસરકારક સહયોગ આપી શકે તે હેતુસર વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ 2 - image

દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમના અનુસંધાને તથા ચાલુ શૈક્ષણિક સત્રના પ્રવેશોત્સવને ધ્યાનમાં રાખી એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન હેઠળ તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તા. 23 જૂનના રોજ જામનગર જિલ્લાના સચાણા અને સિક્કા નજીક આવેલા સરમતભુંગા ગામની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓને શું કરવું અને શું ન કરવું, શિષ્ટાચાર, રાષ્ટ્રભક્તિ, સુરક્ષા, સાવચેતી અને સામાજિક જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

 કાર્યક્રમના અંતે મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓએ ગ્રામજનો સાથે અનૌપચારિક સંવાદ કરી દરિયાઈ સુરક્ષા સંબંધિત જાગૃતિ ફેલાવી હતી, અને સ્થાનિક લોકો તથા સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારો સંપર્ક અને વિશ્વાસ જળવાઈ રહે તે માટે આ પ્રકારના કાર્યક્રમો સતત યોજવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.