- જૂની અદાવતની દાઝ રાખી છરીના ઘા ઝીંકી દેતા યુવકનું સારવારમાં મૃત્યુ થયું હતું
- 29 દસ્તાવેજી, 15 મૌખિક પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટે સજા અને દંડ ફટકાર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આખલોલજકાતનાકા, શીતળા માતાજીની દેરી પાસે, ઈન્દીરાનગરમાં રહેતા બદાભાઈ ઉર્ફે હીરાભાઈ ભીમાભાઈ મકવાણાએ તે જ વિસ્તારમાં રહેતો પ્રકાશ ઉર્ફે પકો કાનજીભાઈ બોરીચા નામના શખ્સને બાઈકમાં હોર્ન મારી ઘર પાસેથી નીકળવા બાબતે ઠપકો આપ્યો હતો. જે વાતનું ઘરમેળે સમાધાન થઈ ગયું હોવા છતાં ગત તા.૨૬-૨-૨૦૨૪ના રોજ રાત્રિના સમયે પ્રકાશ ઉર્ફે પકો કાનજીભાઈ બોરીચાએ આધેડના ઘર પાસે આવી ગાળો બોલી બદાભાઈના પત્ની જયાબેનને પાટુ તેમજ દિકરા કિશનભાઈ (ઉ.વ.૧૮)ને છરીના ઘા ઝીંકી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ગંભીર ઈજા પામેલા કિશનભાઈનું ગત તા.૭-૩-૨૦૨૪ના રોજ બપોરના સમયે સારવાર દરમિયાન મૃત્યુ થતાં મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી.
બનાવ અંગે બદાભાઈ ઉર્ફે હીરાભાઈ મકવાણાએ શખ્સ સામે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી હત્યારા શખ્સને ઝડપી લઈ જેલમાં ધકેલી દીધો હતો. દરમિયાનમાં આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એચ.એસ.મુલિયાની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ આર. જોશીની અસરકારક દલીલો, ૨૯ દસ્તાવેજી અને ૧૫ મૌખિક પુરાવાને ધ્યાને રાખી ન્યાયમૂર્તિએ આરોપી પ્રકાશ ઉર્ફે પકો બોરીચાને આજીવન કેદની સજા અને રોકડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.


