Gujarat

72 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 10 વર્ષ સખત કેદની સજા

By GS TEAM
25 Feb 20262 mins read
72 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 10 વર્ષ સખત કેદની સજા

દહેગામના કડજોદરાની સીમમાં ત્રણ વર્ષ અગાઉ

દાગીના પણ લૂંટી લીધા : ગાંધીનગર કોર્ટનો આરોપીને 32 હજારનો દંડ ફટકારી બે લાખનું વળતર ચૂકવવા પણ હુકમ

ગાંધીનગર: દહેગામ તાલુકાના કડજોદરા ગામની સીમમાં 72 વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર ગુજારીને લૂંટ ચલાવનાર નરાધમ સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગરના બીજા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપીને દસ વર્ષની સખત કેદની સજા અને ૩૨ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ કેસની મળતી વિગતો પ્રમાણે બાયડ તાલુકાના દખ્તેશ્વર ગામના પગીવાસ ખાતે રહેતા ગોવિંદ ગીરીશભાઈ ઝાલા દ્વારા ગત ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રાત્રે આશરે ૮ વાગ્યાથી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના સવારના ૪ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ જઘન્ય અપરાધ કર્યો હતો. ગોવિંદે વૃદ્ધાને પોતાના બાઈક પર બેસાડી નવા થાંભલીયા સ્મશાન નજીક કડજોદરા ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે વૃદ્ધાને ગડદાપાટુનો માર મારી, ગાળો આપી તેમની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તેમના સોનાના દાગીના પણ લૂંટી લીધા હતા. જે સંદર્ભે રખિયાલ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસ ગાંધીનગરના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.વી વર્માની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા ૨૩ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ૨૩ જેટલા સાહેદોની પણ જુબાની લેવામાં આવી હતી. આ દરમિયાન તપાસ અધિકારીઓની પણ જુબાની લેવામાં આવી હતી. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીએ પોતાની માતા સમાન વયોવૃદ્ધ ી સાથે આવું કૃત્ય કર્યું છે, જે સમાજ માટે અત્યંત ઘાતક છે. આ ગુનામાં તેને કાયદામાં દર્શાવવામાં આવેલી પૂરેપૂરી સજા કરવામાં આવે. જે દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપીગોવિંદ ગીરીશભાઈ ઝાલાને દસ વર્ષની સખત કેદની સજા અને ૩૨ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. તેમજ ભોગ બનનાર વૃદ્ધાને બે લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ હુકમ કરાયો હતો. સરકારી વકીલે ચૂકાદા બાદ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં ઘણા કેસ ચલાવવામાં આવ્યા પરંતુ આ કેસની સુનાવણી દરમિયાન ૭૨ વર્ષના વૃદ્ધા અને તેમના બાળકોની જુબાની લેતી વખતે પણ ન્યાયિક તંત્રએ ભારે દુખ અનુભવ્યું હતું.