Get The App

અમદાવાદ: જૂની અદાવતમાં છરી અને ડંડાથી મિત્રએ કરી મિત્રની હત્યા, બે આરોપી ઝડપાયા, એક ફરાર

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: જૂની અદાવતમાં છરી અને ડંડાથી મિત્રએ કરી મિત્રની હત્યા, બે આરોપી ઝડપાયા, એક ફરાર 1 - image

Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મિત્રતા દુશ્મનીમાં બદલાતા એક યુવકનો જીવ લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના હીરાવાડી ચાર રસ્તા પાસે જૂની અદાવત રાખી મિત્રએ જ મિત્ર પર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખ્યાનો મામલો સામે આવ્યો છે. બેથી ત્રણ મહિના અગાઉ થયેલા ઝઘડાનો આખરે લોહિયાળ અંત આવ્યો છે. હુમલા બાદ આરોપીઓ વતન તરફ ભાગી ગયા હતા, જોકે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. 

જૂની અદાવતમાં છરી અને લાકડાના ડંડાથી મિત્રએ કરી મિત્રની હત્યા 

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા હીરાવાડી ત્રણ રસ્તા પાસે શિવશક્તિ મંદિર નજીક 10 જૂન 2026ની મોડીરાત્રે એક યુવકની ઘાતકી હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકની ઓળખ શુભમ ઉર્ફે છોટુ રામઅચલ કોરી તરીકે થઈ છે, જે મહાવીરનગર વિસ્તારમાં રહેતો હતો અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ખાસ વાત એ છે કે, શુભમ અને મુખ્ય આરોપી વિજય ઉર્ફે શાલુ રાજપૂત અગાઉ ગાઢ મિત્રો હતા અને બંને સાથે રિક્ષા ચલાવતા, ને સાથે ઉઠતા-બેસતા હતા. પરંતુ અંદાજે બે થી ત્રણ મહિના અગાઉ કોઈ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો ગંભીર બન્યો કે મિત્રતા દુશ્મનીમાં બદલાઈ ગઈ.

મળતી માહિતી મુજબ, 10 જૂનની રાત્રે શુભમ હીરાવાડી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી વિજય રાજપૂત, સુરેન્દ્ર ચૌહાણ અને આકાશ રાઠોડે તેને આંતરી લીધો હતો. જૂની અદાવતને લઈને બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓએ શુભમ પર છરી અને લાકડાના ડંડા વડે હુમલો કર્યો હતો.

આક્ષેપ છે કે, શુભમને ગળા, પેટ અને શરીરના અન્ય ભાગોમાં છરીના ઘા તેમજ ડંડાનો માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સ્થાનિકો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટના બાદ ત્રણેય આરોપીઓ વતન ભાગ્યા 

ઘટના બાદ ત્રણેય આરોપીઓ વતન તરફ ભાગી ગયા હતા. જોકે, બાપુનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ચોક્કસ બાતમીના આધારે બે આરોપીમાં વિજય ઉર્ફે શાલુ શ્યામવીર રાજપૂત અને સુરેન્દ્ર ઉર્ફે ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે ફરાર આકાશ રાઠોડની શોધખોળ ચાલુ છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.