Ahmedabad News: અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં શુક્રવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં આવેલી એક રહેણાંક સોસાયટીના 13મા માળેથી પટકાતા એક 49 વર્ષીય વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર વિગત?
શેલા વિસ્તારમાં આવેલી 'સન એટમોસ્ફિયર' (Sun Atmosphere) સોસાયટીના ડી-બ્લોકમાં આ ઘટના બની હતી. મૃતકની ઓળખ નિલેશ બાબુલાલ મહેતા (ઉંમર 49 વર્ષ) તરીકે થઈ છે. આજે શુક્રવારે સાંજે તેઓ અચાનક 13મા માળેથી નીચે પટકાયા હતા. જોરદાર અવાજ આવતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
લાંબી બીમારી હોવાનું અનુમાન
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક નિલેશભાઈ છેલ્લા ઘણા સમયથી લાંબી બીમારીથી પીડાતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, 'પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક પોતાની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે માનસિક તણાવમાં હતા. બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.'
અકસ્માત કે આપઘાત? પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાસ્થળેથી પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. આથી, આ ઘટના આકસ્મિક રીતે પટકાવવાની છે કે આત્મહત્યા, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ હવે પરિવારના સભ્યો અને સોસાયટીના અન્ય રહીશોના નિવેદન નોંધશે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.


