બાઇક ડીટેઇન કર્યા બાદ પોલીસ થાણે લઇ જવાતાં વીફર્યો
'મારી સામે ન પડતા, સોશિયલ મીડિયામાં બદનામ કરી દઇશ' કહી પટ્ટા ઉતારી દેવાની ધમકી આપતાં ગુનો દાખલ
ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક પી.આઇ. તરીકે ફરજ બજાવતા એમ.ડી.મકવાણા અન્ય પોલીસ જવાનો સાથે સોમવારે કંચનપુરના પાટીયા પાસે ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે મોટરસાયકલ લઇને નીકળેલા એક શખ્સને અટકાવી ચેકિંગ કરતા ફેન્સી નંબર પ્લેટ તેમજ લાયસન્સ અને જરૂરી કાગળ ન હોવા સબબ આ વાહન ડીટેઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન બાઇક ચાલક ચંદુ અરજન રૂડાચને ટ્રાફિક શાખાની કચેરી ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે બોલાચાલી કરી અને મોટરસાયકલ ડીટેઇન ન કરવા તેમજ 'મારી સામે ના પડતા નહીંતર હું ફેસબુક ઉપર ટ્રાફિક પોલીસને બદનામ કરીશ' તમારી ટ્રાફિક પોલીસના પટ્ટા-ટોપી ઉતારી ન દઉં તો મારું નામ ચંદુ રૂડાચ નહીં. એવી પોલીસને ધમકી આપી હતી.
આ પછી પોલીસ કચેરીમાં ચંદુએ જેકેટના ખિસ્સામાંથી પ્રવાહી ભરેલી બોટલ કાઢી અને ટ્રાફિક કચેરીના સોફા ઉપર છાંટી સળગતી દિવાસળી સોફા પર નાખતા સોફામાં આગ લાગી હતી. આ ઉપરાંત અન્ય ઓફિસ ફર્નિચર પર પણ પ્રવાહી છાંટવાની કાશિશ કરતાં પોલીસ કર્મચારીઓએ તેમને અટકાવી બોટલ ઝૂંટવી લીધી હતી. આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી.
આમ, પોલીસ કર્મચારીઓને આડકતરી રીતે ધમકી આપીને પોલીસ ફરજમાં અડચણ ઊભી કરવા ઉપરાંત સરકારી મિલકતને સળગાવીને નુક્સાની કરવા અંગે ખંભાળિયા પોલીસે આરોપી સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


