Get The App

વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ વાહન સાથે શખ્સ ઝબ્બે

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ વાહન સાથે શખ્સ ઝબ્બે 1 - image

- દારૂનો જથ્થો રાજસ્થાનથી જૂનાગઢ તરફ જતો હતો

- પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે વિદેશી દારૂ, વાહન મળી કુલ રૂ. 15.37 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : વલ્લભીપુર નજીકથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે રાજસ્થાનથી જૂનાગઢ તરફ જઈ રહેલા વિદેશી દારૂ ભરેલ બોલેરો પીકઅપ વાહન સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર, પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, એક સફેદ કલરની બોલેરો પીકઅપ વાહન નં.જીજે-૦૮-એયુ-૫૭૦૬ના છે. જેમાં પાછળ લોખંડનો નાનો ટાંકો છે. જે ટાંકામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ધંધુકા તરફથી વલ્લભીપુર તરફ આવે છે. જે બાતમી આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફ વલ્લભીપુર, ચામુંડા હોટલની સામે જાહેર રોડ ઉપર વોચમાં હતાં દરમ્યાન ઉપરોકત બાતમી વર્ણન તથા નંબર વાળો બોલેરો પીકઅપ વાહન આવતાંની સાથેજ વાહનને અટકાવી વાહનની પાછળ ગટર સફાઇ કરવામાં ઉપયોગમાં લેવાતો ટાંકામાં અંદર તપાસ કરતાં વિદેશી દારૂની ૩૫૦૪ બોટલ રૂ.૧૦,૩૨,૧૯૨ની મળી આવતા પોલીસે જગદીશકુમાર ઉદારામ રાજુરામ ચારણ (રહે,ખરીન્ગા કુવા વિસ્તાર, સવા ગામ, થાના-સવા, જી.બાડમેર, રાજ્ય-રાજસ્થાન) ને વિદેશી દારૂ, બોલેરો પીકઅપ વાહન મળી કુલ રૂ.૧૫,૩૭,૨૪૨ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સની પૂછપરછ દરમિયાન ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ગાડી હનુમાન ભગવાનારામ બીશ્નોઈ (રહે.બાન્ડ ગામ તા.ગુદામલાની જી.બાડમેર રાજ્ય રાજસ્થાન), વિકાસ માંગીલાલ બિશ્નોઇ, વિકાસના પિતા માંગીલાલ બિશ્નોઈ (રહે. બંન્ને સીવારા ગામ તા.સાંચોર જી.ઝાલોર રાજ્ય રાજસ્થાન) એ આપ્યો હતો અને આ દારૂનો જથ્થો જૂનાગઢ જીલ્લાના ડુંગરપુર ગામે બાપુ નામે ઓળખાતા શખ્સને આપવાનો હતો. પોલીસે તમામ વિરૂધ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વિદેશી દારૂ ડિલિવરી કરવાનો નવો કીમિયો

બૂટલેગરોએ વિદેશી દારૂની ડિલિવરી કરવા માટે હવે નવો કીમિયો શોધી કાઢયો છે. બોલેરો પીકઅપ વાહનની પાછળ ગટર સફાઇ કરવામાં ઉપયોગમાં લેવાતો ટાંકો ફીટ કર્યો હતો. જે ટાંકામાં ચોરખાનું બનાવી અંદર દારૂનો જથ્થો ભરી ઉપરથી નટ બોલ્ટથી ઢાંકણુ બંધ કરી દેવામાં આવ્યું હતું અને છેક રાજસ્થાનથી જૂનાગઢ દારૂનો જથ્થો જતો હતો.