Get The App

ભાદ્રોડ નજીક 2500 લીટર પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
ભાદ્રોડ નજીક 2500 લીટર પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે શખ્સ ઝડપાયો 1 - image

- હાઈ-વેથી 30 ફૂટ દુર ગેરકાયદે પંપ ઉભો કરી વેચાણ થતું હતું

- પેટ્રોલિયમ પ્રવાહીનું ડિઝલ રૂપે ઓછી કિંમતે વેચવામાં આવતું હતું : 3 શખ્સો સામે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર : ભાવનગર-મહુવા નેશનલ હાઈ-વે પર ભાદ્રોડ ગામ નજીક હાઈ-વેથી ૩૦ ફૂટ દુર પંપ ઉભો કરી પેટ્રોલિયમ પ્રવાહીનું ડિઝલ રૂપે ઓછી કિંમતે વેચાણ કરતા મહુવાના શખ્સને મહુવા ગ્રામ્ય પોલીસે ૨૫૦૦ લીટર પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે ઝડપી લઈ મહુવા ગ્રામ્ય પોલીસમાં કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભાવનગર-મહુવા હાઈ-વે પર ભાદ્રોડ ગામ નજીક કોઈ પણ મંજુરી વિના વસીમ વલીભાઈ સૈયદ (રહે.માળીની વાડી, મહુવા), દિનેશ ભુપતભાઈ કાતરીયા (રહે.ભાદ્રોડ) અને અબ્દુલ ઈબ્રાહિમભાઈ લોંડિયા (રહે.મહુવા) ભાગીદારીમાં પેટ્રોલિયમ પ્રવાહી ડિઝલ રૂપે ઓછી કિંમતે ભરી આપતા હોવાની બાતમીના આધારે મહુવા ડિવાયએસપી અને મહુવા ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા પુરવઠા વિભાગ અને જીએસટી વિભાગને સાથે રાખી ગત મોડી રાત્રિના તપાસ કરતા બાતમીવાળા સ્થળે નેશનલ હાઈ-વેથી ૩૦ ફુટ દુર નેશનલ હાઈ-વે ઓથોરિટિની મંજૂરી વગર પંપ ઉભો કરી પંપના અંડરગ્રાઉન્ડ ટાંકામાં રાખેલ રૂ.૧,૯૨,૫૦૦ની કિંમતના ૨૫૦૦ લીટર પેટ્રોલિયમ પ્રવાહી (હાઈડ્રોવેજીટેબલ ઓઈલ-એચવીઓ પ્રવાહી) સાથે વસીમ વલીભાઈ સૈયદને ઝડપી લઈ પુછપરછ કરતા તે તથા દિનેશ અને અબ્દુલ સાથે ભાગીદારીમાં પેટ્રોલિયમ પ્રવાહીનું જીએસટી બીલ વિના વેચાણ કરતા હોવાની કબૂલાત આપતા પોલીસે ગેરકાયદે પ્રેટ્રોલિયમ પ્રવાહીના સેમ્પલને એફએલએલ માટે મોકલ્યા બાદ બાકીનો જથ્થો સિઝ કરી વસીમ સૈયદને ઝડપી લઈ ત્રણેય શખ્સો સામે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં બીએનએસ, પેટ્રોલિયમ એક્ટ અને એસેન્સિયલ કોમોડિટી એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજસ્થાનથી પ્રવાહી લાવ્યા હોવાનું બીલ મળ્યું

પોલીસે પુરવઠા અને સ્ટેટ જીએસટી વિભાગને સાથે રાખીને હાથ ધરેલી તપાસમાં એક બીલ મળી આવ્યું હતું. જે બીલના આધારે તેઓએ આ પ્રવાહી રાજસ્થાનથી મંગાવ્યું હોવાનું અને ખરીદીના બીલમાં ખરીદનાર પાર્ટીનો જીએસટી નંબર હતો તે સેન્ટ્રલ જીએસટી વિભાગ હેઠળ નોંધાયેલો નંબર હોવાનું ખુલ્યું હતું.