યુવાન સાથે રૂ. 1 કરોડની છેતરપિંડી આચરનાર શખ્સ ગિરફ્તાર

- ઠગાઈ કરનાર શખ્સ એક દિવસના રિમાન્ડ પર
- શરૂઆતના રોકાણ ઉપર વળતર આપ્યા બાદ રોકાણના નામે અલગ અલગ બેંક ખાતામાં રૂ. 1.08 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા
ભાવનગરના સુભાષનગર, વર્ષા સોસાયટી, શેરી નં.૪માં રહેતા અને લોજિસ્ટિકનો વેપાર કરતા યુવાન દિપેશભાઈ લાલજીભાઈ સોલંકીનો ટેલીગ્રામ તથા વોટ્સએપથી યુવતીના નામે સંપર્ક કરી બીટકોઇનમાં રોકાણ કરવાથી સારા પ્રોફિટની લાલચ આપી. શખ્સે દિપેશભાઈને વિશ્વાસમાં લઈને વેબસાઇટમાં એકાઉન્ટ બનાવી, દિપેશભાઈને શરૂઆતમાં રૂા ૩૨,૫૦૦નો નફો આપી વિશ્વાસ કેળવી, વધુ નફાની લાલચ આપી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂા ૧,૦૮,૯૪,૭૪૬ ટ્રાન્સફર કરાવડાવી દિપેશભાઈ સાથે કુલ રૂા.૧,૦૮,૬૨,૨૪૬ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ દિપેશભાઈએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા છેતરપિંડી આચરનાર મહેશ ધરમશીભાઇ દેસાઇ (રહે. ૫, વાલીનાથ સોસાયટી, કિર્તીદેવ સોસાયટી પાસે, ડિ કેબીન, સાબરમતી, અમદાવાદ)ને ઝડપી લઈ મહેશને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે શખ્સના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હોવાનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ.તલાટીએ જણાવ્યું હતું.









