Gujarat

જેલની સુરક્ષાના લીરેલીરા! અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઈન ગેટથી જ ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

By GS TEAM
12 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો એક કેદી જેલના મુખ્ય દરવાજેથી જ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેલની સુરક્ષાના લીરેલીરા! અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઈન ગેટથી જ ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

Convict Escapes From Sabarmati Jail In Ahmedabad: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો એક કેદી જેલના મુખ્ય દરવાજેથી જ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

ફિલ્મી સ્ટાઈલમાં મેઈન ગેટથી ભાગ્યો

મળતી માહિતી અનુસાર, ફરાર થયેલા કેદીનું નામ માલદે પરમાર છે. સીસીટીવી ફૂટેજની તપાસમાં બહાર આવ્યું છે કે, ગઈકાલે (11મી મે) સવારે આશરે 10:10 વાગ્યે જ્યારે જેલના મુખ્ય ગેટ પર સ્ટાફની શિફ્ટ બદલાઈ રહી હતી, ત્યારે તકનો લાભ લઈને માલદે કોઈની પણ નજરમાં આવ્યા વિના જેલની બહાર નીકળી ગયો હતો.

મૂળ પોરબંદરના બગવદરનો રહેવાસી માલદે પરમાર વર્ષ 2025થી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. તેને સારવાર અર્થે રાજકોટથી અમદાવાદ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. સવારે બડાચક્કર યાર્ડ નંબર-4માં કેદીઓની દૈનિક ગણતરી વખતે તેની ગેરહાજરી જણાઈ હતી. સાંજે 8 વાગ્યે જેલબંધીની પ્રક્રિયા દરમિયાન તે ભાગી ગયો હોવાની પુષ્ટિ થઈ હતી. આ મામલે જેલર દેવદત્તસિંહ ગોહિલે રાણીપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત


પોલીસની વિવિધ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન

રાણીપ પોલીસ સ્ટેશનના PIના જણાવ્યા અનુસાર, આરોપી જેલની અંદર નાનું-મોટું કામ કરતો હોવાથી તેની અવરજવર સામાન્ય જણાતી હતી. હાલમાં આ કેસમાં રાણીપ પોલીસ, સ્થાનિક ઝોનની ટીમો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીના લોકેશનને ટ્રેક કરવા અને તે કઈ દિશામાં ગયો છે તે જાણવા સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવાઈ રહી છે.

ત્રણ દિવસમાં બીજી ઘટના

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી ભાગવાની આ બીજી ઘટના છે. માત્ર ત્રણ દિવસ પહેલા જ વાડજ પોલીસ સ્ટેશનથી પોક્સોનો એક આરોપી મેડિકલ ચેકઅપ બાદ ભાગી ગયો હતો, જોકે તેને ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. હવે સાબરમતી જેલ જેવી અત્યંત સુરક્ષિત ગણાતી જગ્યાએથી કેદીનું ભાગવું એ સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કરે છે.