Get The App

સિહોરમાં વર્ષોથી મુખ્ય રસ્તાઓ ખખડધજ, વાહનચાલકો પરેશાન

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
સિહોરમાં વર્ષોથી મુખ્ય રસ્તાઓ ખખડધજ, વાહનચાલકો પરેશાન 1 - image

- ન.પા.માં નવી બોડી બેઠાને એક વર્ષ થયું છતાં રોડની સમસ્યા જૈસે થે..

- અંધેર વહીવટ ચાલશે તો આવનાર સમયમાં અનેક ગ્રાંટો પાછી જવાની ભીતિ

સિહોર : સિહોર નગરપાલિકામાં અંધેર નગરી, ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું હોય તેમ મુખ્ય બજાર સહિતના રસ્તાઓ વર્ષોથી ખખડધજ હાલતમાં હોવા છતાં તંત્ર કે શાસકોના પેટનું પાણી હલતું નથી. જેના કારણે વાહનચાલકો, રાહદારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે.

સિહોરમાં વડલાવાળા ખોડિયાર મંદિરથી આંબેડકર ચોક, મોટાચોક વિસ્તારમાં બે શાકમાર્કેટ, બેથી ત્રણ બેન્ક, કરિયાણા, મીઠાઈ-ફરસાણાની દુકાનો, દાણાપીઠ, કટલેરી બજાર, રેડીમેઈડ કપડાંની દુકાનો, સોની બજાર આવેલી છે. જેથી સિહોરવાસીઓ ઉપરાંત ૮૨ ગામના લોકો અહીં હટાણું કરવા આવતા હોવાથી સવારથી સાંજ સુધી બજાર ધમધમતી રહે છે. તેમ છતાં આ વિસ્તારોના રસ્તાઓની દુર્દશા એવી છે કે, રોજબરોજ નાના-મોટા અકસ્માતો બનતા રહે છે. સિહોરના નામ સમાન ગણાતી બજારમાં આરસીસી સહિતના રસ્તાઓમાં મોટા ખાડા પડેલા છે, છતાં કોઈ ધ્યાન દેવાતું નથી. ન.પા.માં નવી બોડી બેઠાને એક વર્ષ જેવો સમય થયો છે. પરંતુ આજદિન સુધી રસ્તાનું કામ કરાયું નથણી. જે કામો થઈ રહ્યા છે, તે વહીવટદારના શાસનમાં મજૂર થયેલા છે. શાસકોની અણઆવડતના કારણે આઠ માસમાં એક ગ્રાંટ પાછી ગઈ છે અને હજુ ઘણી ગ્રાંટો પાછી જતી રહેવાની પણ ભીતિ સેવાઈ રહી છે. હાલના સમયમાં ઘણી ગ્રાંટો ન.પા.માં પડી છે. પરંતુ અંદરો-અંદરના ઝઘડા, યોગ્ય કામોના આયોજન અને નિર્ણયશક્તિના અભાવે પ્રજાનો મરો થઈ રહ્યો છે. જેનો રાજા આંધળો તેનું કટક કૂવામાં તેવી સ્થિતિ સિહોર પાલિકામાં સર્જાઈ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે શાસકો અને ન.પા. તંત્ર દ્વારા ગંભીરતા દાખવી વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉછી છે.