Get The App

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
Mahudi Jain Temple

Mahudi Jain Temple Controversy: ગાંધીનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થસ્થાન મહુડીમાં ટ્રસ્ટનો વિવાદ વધુ આગળ ધપ્યો છે. શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘના 8 ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ સાથે સંકળાયેલાઓએ તેમના ઉપર લાગવામાં આવેલા વિવિધ આરોપોને ફગાવ્યા હતા. આ સાથે તેમણે એમ પણ ઉમેર્યું કે, મનઘડત આક્ષેપ કરનારા સામે તેઓ બદનક્ષીનો દાવો માંડશે.

ભક્તોને ગેરમાર્ગે દોરીને બંને શખસો ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છેઃ મહુડી જૈન શ્વેતામ્બર સંઘ

શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘના 8 ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહેતા, વોરા અને શાહ પરિવારના પ્રતિનિધિઓએ આજે અમદાવાદ ખાતે જણાવ્યું કે, 'પાસા હેઠળ 19 માસની સજા ભોગવી ચૂકેલા અંકિત શ્રેણિકભાઈ મહેતા તથા જયેશ મહેતાને તેમના ગુનાઈત ઈતિહાસને પગલે ગયા વર્ષે મહુડી સંઘના સામાન્ય સભ્યપદેથી બરતરફ કરવામાં હતા. આમ છતાં તેઓ પોતે ટ્રસ્ટી અથવા સભ્ય હોવાનું ખોટું પ્રતિનિધિત્વ આપી, ભક્તોને ગેરમાર્ગે દોરી ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરે છે.'

65 કિલો સોનાની હેરાફેરીના આરોપ અંગે ટ્રસ્ટીઓની પ્રતિક્રિયા

ટ્રસ્ટ ઉપર લગાવવામાં આવેલા 65 કિલો સોનાની હેરાફેરીના આરોપ અંગે ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, 'મંદિર સુવર્ણીકરણ માટે ખરીદાયેલા સોનાના કાયદેસર ટેક્સપેઈડ બિલ ઉપલબ્ધ છે. આ ઉપરાંત વર્ષ 2017થી 2025 સુધીના ઓડિટેડ રિપોર્ટ્સમાં તેની નોંધ કરવામાં આવી છે. લેબોરેટરી ટેસ્ટિંગ રિપોર્ટ્સ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, લેબ ટેસ્ટ દ્વારા સોનાની ગુણવત્તા નિર્ધારિત થાય છે, વજન નહીં. 

ટ્રસ્ટના લોકર ખોલવા માટે ત્રણ અલગ-અલગ ટ્રસ્ટીઓ પાસે રહેલી ચાવીઓ જરૂરી છે અને કોઈ એક વ્યક્તિથી લોકર ખુલવાની શક્યતા જ નથી. ટ્રસ્ટ અથવા કોઈ ટ્રસ્ટી દ્વારા 1 ગ્રામ સોનાની પણ ઉચાપત અથવા ગેરવહીવટ સબિત થાય તો તેઓ ટ્રસ્ટના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવા તૈયાર છે.

આ પણ વાંચો: શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ

આક્ષેપો સામે મહુડી જૈન શ્વે. મૂ. ટ્રસ્ટ સંઘના જવાબ

- હાલના ટ્રસ્ટીઓની ગેરકાયદે નિયુક્તિના આક્ષેપમાં જણાવ્યું કે, ‘2002થી 2020 સુધી દર 3 વર્ષે થયેલી નિયુક્તિઓના દસ્તાવેજી પુરાવા છે. જેમાં અંકિત મહેતા અને જયેશ મહેતાની સમર્થનરૂપ સહી છે.'

- અમદાવાદમાં મકાન ખરીદી મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ‘જૈન સાધુ-સાધ્વીજીઓના વિહાર, ગોચરી અને આરામ માટેની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ટ્રસ્ટના નામે જ સંપત્તિ ખરીદાઈ છે. તેનો ઉપયોગ માત્ર ધાર્મિક તથા ટ્રસ્ટ સંબધિક કાર્ય માટે થાય છે. કોઈ ટ્રસ્ટી કે તેમના પરિવારજન દ્વારા વ્યક્તિગત ઉપયોગ કરાયો નથી’ 

- 2023માં મહુડી તીર્થ ખાતે ભંડારમાંથી ચોરી કરતા નિલેશ મહેતા-સુનિલ મહેતા સીસીટીવીમાં ઝડપાયા હતા. જે અંકિત મહેતા અને જયેશ મહેતાના કુટુંબીજન હોવાનું જણાવાયું. આ બંને વ્યક્તિને ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક અસરથી દૂર કરાયા હતા. આ કાર્યવાહીનો બદલો લેવા માટે જ હાલના પાયાવિહોણા આરોપ લગાવાઈ રહ્યા છે.