મહીસાગર પોલીસ ફરી વિવાદમાં, PSIએ સરપંચના પતિને લાફો મારતા પાંડરવાડામાં જનાક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahisagar News: મહીસાગર જિલ્લામાં પોલીસ અને જનતા વચ્ચેનો ગજગ્રાહ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બાલાસિનોરની ઘટના બાદ હવે પાંડરવાડા ગામે પોલીસની દાદાગીરી સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીએસઆઈ દ્વારા મહિલા સરપંચના પતિને જાહેરમાં લાફો મારી અપશબ્દો બોલતા મામલો ગરમાયો છે, જેના વિરોધમાં ગ્રામજનોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી દીધો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, પાંડરવાડા ગામના મહિલા સરપંચના પતિ શૈલેષ ડામોર સાથે પીએસઆઈ મકવાણાએ ગેરવર્તણૂક કરી હતી. પીએસઆઈએ જાહેરમાં શૈલેષભાઈને લાફો ઝીંકી દીધો હોવાના અને અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાના વિરોધમાં ઉશ્કેરાયેલા ગ્રામજનોએ બાબલિયા-રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ બંધ કરી દીધો હતો. રસ્તા વચ્ચે બાઈક અને કારની આડાશ મૂકીને ગ્રામજનો ધરણા પર બેસી ગયા હતા. હાઈવે બંધ થવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા હતા.
ભોગ બનનાર શૈલેષ ડામોર અને ગ્રામજનો એક જ વાત પર અડગ છે કે, જ્યાં સુધી પીએસઆઈ મકવાણા જાહેરમાં આવીને માફી નહીં માંગે, ત્યાં સુધી આંદોલન અને ચક્કાજામ ચાલુ રહેશે.
આ પણ વાંચો: અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેરમાં ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
મહીસાગર પોલીસનો વિવાદો સાથે જૂનો નાતો
છેલ્લા કેટલાક સમયથી મહીસાગર પોલીસ સતત વિવાદોના ઘેરામાં છે. અગાઉ બાલાસિનોર એક સગીરને ઢોર માર મારવાની ઘટનાથી ભારે જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. પાંડરવાડામાં જ એક વ્યક્તિને સીટ બેલ્ટ ન બાંધવા બાબતે માર માર્યાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હવે લોકપ્રતિનિધિ (સરપંચ)ના પતિ સાથેની આ ગેરવર્તણૂકે પોલીસની છબી પર ફરી સવાલો ઊભા કર્યા છે.









