Gujarat

સૂર્ય પર ચુંબકીય તોફાનઃ GPS અને મોબાઈલ નેટવર્કને અસર થઈ શકે

By GS TEAM
5 Feb 20262 mins read
સૂર્ય પર ચુંબકીય તોફાનઃ GPS અને મોબાઈલ નેટવર્કને અસર થઈ શકે

છૂટી પડેલી સૌર જ્વાળાથી પૃથ્વી પર જીઓમેગ્નેટીક સ્ટોર્મ આવવા સંભાવના  : પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 10 ગણા મોટા સન સ્પોટની અસર આવનારાં 48 કલાકમાં પૃથ્વી ઉપર થવાની સંભાવના દર્શાવાઈ

ભુજ, : સૂર્યમાંથી શક્તિશાળી 'એક્સ ક્લાસ' સૌર જ્વાળાઓ છૂટી પડી છે જેના કારણે જીઓ મેગ્નેટીક સ્ટોર્મ આવવાની શક્યતા ખગોળશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે. છેલ્લા બે દિવસથી સૂર્યાસ્ત સમયે આકાશમાં સૂર્યની સપાટી ઉપર દેખાતા કાળા દાગ અંગે ભુજની સ્ટાર ગેજીંગનો લોકોએ સંપર્ક કરતાં ખગોળ શાસ્ત્રીઓના મતને ટાંકીને જણાવાયું હતું કે, આ સૂર્ય પર સર્જાયેલું પ્રચંડ ચુંબકીય તોફાન છે જેને 'સન સ્પોટ' AR24366 ' તરીકે ઓળખવામાં આવે છે. 

આ સનસ્પોટનો વિસ્તાર પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 10 થી 15 ગણો મોટો છે. તે એટલો મોટો છે કે પૃથ્વી જેવા અનેક ગ્રહો તેમાં સમાઈ શકે. આ વિસ્તારમાંથી હાલમાં જ શક્તિશાળી 'એક્સ-ક્લાસ' સૌર જ્વાળાઓ છૂટી પડી છે. જેના કારણે આવનારા 48 કલાકમાં પૃથ્વી પર જીઓમેગ્નેટિક સ્ટોર્મ આવવાની શક્યતા છે, જે જીપીએસ અને મોબાઈલ નેટવર્ક જેવી સેટેલાઈટ સેવાઓને અસર કરી શકે છે.

આ સનસ્પોટનું માત્ર મુખ્ય કાળું કેન્દ્ર જ પૃથ્વી કરતાં બે ગણી પહોળાઈ ધરાવે છે, એટલે કે આશરે 25,000 થી 30,000 કિમી. આ આખો સનસ્પોટ સમૂહ (જેમાં નાના-મોટા અનેક ટપકાંઓનો સમાવેશ થાય છે) સૂર્યની સપાટી પર આશરે 1,25,000 થી 1,50,000 કિમી કરતાં પણ વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. સૂર્યાસ્ત સમયે સૂર્યની તેજસ્વીતા ઓછી લાગતી હોવા છતાં, તેને નરી આંખે અથવા સામાન્ય ચશ્માથી જોવો અત્યંત જોખમી છે. સૂર્યમાંથી નીકળતા પારજાંબલી (યુવી) અને ઇન્ફ્રારેડ કિરણો આંખના પડદાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. સૂર્યદર્શન માટે હંમેશા પ્રમાણિત સોલર ફિલ્ટર અથવા સોલર ગોગલ્સનો  ઉપયોગ કરવો જોઈએ.