Gujarat

ખાણ ખનીજના મહિલા અધિકારી ઉપર હુમલો કરી માફિયા ડમ્પર છોડાવી ગયા

By GS TEAM
11 Nov 20252 mins read
ખાણ ખનીજના મહિલા અધિકારી ઉપર હુમલો કરી માફિયા ડમ્પર છોડાવી ગયા

ગાંધીનગર જિલ્લામાં રેતમાફિયાનો વધતો જતો આતંક

મહિલા અધિકારીએ હિંમત દાખવી છત્રાલ પાસે પીછો કર્યો તો ડાર્ક ફિલ્મવાળી બે મોંઘીદાટ કારે કોર્ડન કરી રાખ્યા ઃ ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં રેત માફિયાનો આતંક વધી રહ્યો છે ત્યારે ભુસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર એવા મહિલા અધિકારી ઉપર હૂમલો કરીને રેત માફિયા ડમ્પર છોડાવી ગયા હતા અને ત્યાર બાદ તેમની કારને રેત માફિયાઓની બે મોંઘી કાર દ્વારા કોર્ડ કરી રાખવામાં આવી હતી. જે ઘટના સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકે રેત માફિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાંથી પસાર થતી નદીઓમાંથી રેતી ચોરીની પ્રવૃત્તિ વધી છે ત્યારે તેને અટકાવવા તથા ચોરીની રેતી પકડવા જતા ભુસ્તર વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપર રેત માફિયાઓ દ્વારા હૂમલો કરવાની અસામાજિક પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે આવી જ એક ઘટના કલોલના છત્રાલ પાસે બનવા પામી છે જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ભુસ્તર વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા દેવ્યાનીબા મહેન્દ્રસિંહ જાડેજા તેમની ટીમ સાથે ચેકીંગમાં નિકળ્યા હતા તે દરમ્યાન છત્રાલ પાસે એક ડમ્પર પકડયું હતું જેમાં સાદી રેતી હતી અને તે સંદર્ભે તપાસ કરતા રોયલ્ટી પાસ કે રેતીના કોઇ કાગળ ન હતા જેના પગલે તેમણે નિયમ મુજબ ૩.૨૩ લાખનો દંડ વસુલવાનો અને ડમ્પરને ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે લઇ જવાની કાર્યવાહી શરૃ કરી હતી તે વખતે કલોલના આંબેડકર ઓવરબ્રિજ પાસે બાઇક ઉપર આવેલા ત્રણ શખ્સોએ ડમ્પર ઉભુ રખાવીને શેઠ સાથે વાત કરો તેમ કહ્યું હતું.

આ જ સમયે એક શખ્સે મહિલા અધિકારી સહિત ટીમને ધમકાવી ગાળો બોલી ડમ્પર ભગાડી મુકવા કહ્યું હતું. ટીમે તેમનો પીછો શરૃ કર્યો ત્યારે ફિલ્મીઢબે ડાર્કફિલમ ધરાવતી ફોર્ચ્યુનર અને સફેદ રંગની ક્રેટા મહિલા અધિકારીની સરકારી ગાડીની આગળ-પાછળ આવી ગઇ હતી અને ડમ્પરને ભગાડી મુકવામાં મદદ કરી હતી. જો કે, એક અન્ય કાર પણ આવી ગઇ હતી જેમાં સવાર શખ્સે સરકારી કારના કાચ ઉપર થપાટો મારીને ગાળો બોલી ત્યાંથી જતા રહેવા ધમકી આપી હતી. જેથી આ સંદર્ભે હાલ કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના પગલે પોલીસે રેત માફિયાને પકડવા દોડધામ શરૃ કરી છે.