મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
GPID Act 2003: રાજ્ય સરકાર દ્વારા રોકાણકારોને ન્યાય મળે તે માટેના કાયદા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ(જીપીઆઇડી) એક્ટ-2003ની ધાર બુઠ્ઠી સાબિત થઇ છે. વર્ષ-2003માં બનાવેલા કાયદા અંતર્ગત હજી સુધી એક પણ કેસમાં રોકાણકારને ન્યાય મળ્યો નથી. કાયદાની આંટીધૂટીમાં અટવાયેલા કેસોમાં રોકાણકારોને ન્યાય ક્યારે મળશે તે પણ નક્કી નથી.
ઊંચા વળતરની લાલચમાં લોકોએ પોતાની મહામૂલી બચત ગુમાવી
આ કાયદા હેઠળ ઠગ કંપનીઓના માલિકોની મિલકતો શોધીને તેમાંથી પ્રાપ્ત થતી રકમમાંથી રોકાણકારોને વળતર ચૂકવવામાં આવતું હોય છે. વડોદરા શહેર તેમજ મઘ્ય ગુજરાતના વિવિધ નગરોમાં અનેક સ્થળે ઓફિસો ખોલીને લોકોના નાણાં પડાવનાર ભેજાબાજ કંપનીઓ સામે હાલ કાર્યવાહી ચાલી રહી છે પરંતુ તે ઘણી મંદ છે. અનેક રોકાણકારો ક્યારે ન્યાય મળશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કાયદો અમલમાં આવ્યો તે પહેલાં વડોદરામાં ઓફિસો ધરાવતી 15 જેટલી વિવિધ કંપનીઓ દ્વારા લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવ્યા બાદ હાથ અઘ્ધર કરી દેતા રોકાણકારોને રડવાનો વારો આવ્યો હતો. પોલીસ અને તંત્રના ચોપડે નોંધાયેલી આ કંપનીઓમાં રોકાણકારોને રકમ પરત મળે તે માટે કોમ્પીટન્ટ ઓફિસર તરીકે નિયુક્ત શહેર પ્રાંત ઓફિસર દ્વારા દાવાઓ મંગાવવામાં આવ્યા હતાં.
15 કંપનીઓમાં રોકાણ કરનાર કુલ 1.47 લાખ રોકાણકારોએ પોતાની રૂા.677.75 કરોડની રકમ સલવાઇ ગઇ હોવાના દાવા રજૂ કર્યા હતાં. દાવા રજૂ કર્યા બાદ તેનો રિપોર્ટ અને સોંગદનામું કોર્ટમાં કરવાનું હોય છે. કોર્ટમાં કેસ ચાલે ત્યાર બાદ રોકાણકારોને દાવાની રકમ મળે. આ પ્રક્રિયા એટલી લાંબી છે કે છેલ્લા 10 વર્ષથી રોકાણકારો માત્ર દાવા કરીને પૈસા ક્યારે મળશે તેની રાહ જોઇને બેસી રહ્યા છે.
મહત્ત્વનું એ છે કે રાજ્ય સરકાર દ્વારા કાયદાનો અમલ તો કરવામાં આવ્યો પરંતુ હજી સુધી ઠગ કંપનીઓની મિલકતોની હરાજી કર્યા બાદ રોકાણકારોને નાણાં પરત કરવાની એકપણ કાર્યવાહી થઇ નથી.









