Gujarat

ચૂંટણીમાં ફિક્કો માહોલ: મોંઘવારી સામે UCC અને મહિલા અનામત જેવા મુદ્દા નિષ્ફળ; ભાષણબાજી માત્ર મનોરંજન

By GS TEAM
21 Apr 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને આડે માંડ પાંચેક દિવસ બાકી રહ્યાં છે તેમ છતાંય ચૂંટણી માહોલ જામતો નથી. મતદારોમાં જાણે ચૂંટણીનો માનસિક થાક વર્તાઈ રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ચૂંટણીમાં મતદારોને રિઝવી શકે તેવા અસરકારક મુદ્દા જ નથી. ચૂંટણી દરમિયાન ભાજપે સમાન નાગરિક ધારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, અશાંતધારો અને મહિલા અનામત જેવા મુદ્દા વહેતાં કર્યાં પણ આ બધુંય કામે લાગ્યું ન હતું. બીજી તરફ, કોંગ્રેસ અને આપ એન્ટિ-ઇન્કમ્બન્સીનો લાભ લેવામાં ઉણી ઉતરી છે. ટૂંકમાં, કારમી મોંઘવારી સામે ચૂંટણીના બધા જ મુદ્દા ભૂલાયાં છે. ઉમેદવારો-રાજકીય પક્ષો જાણે ચૂંટણી હથિયાર વિહોણાં બન્યાં તેવો માહોલ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણીમાં ફિક્કો માહોલ: મોંઘવારી સામે UCC અને મહિલા અનામત જેવા મુદ્દા નિષ્ફળ; ભાષણબાજી માત્ર મનોરંજન

Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને આડે માંડ પાંચેક દિવસ બાકી રહ્યાં છે તેમ છતાંય ચૂંટણી માહોલ જામતો નથી. મતદારોમાં જાણે ચૂંટણીનો માનસિક થાક વર્તાઈ રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ચૂંટણીમાં મતદારોને રિઝવી શકે તેવા અસરકારક મુદ્દા જ નથી. ચૂંટણી દરમિયાન ભાજપે સમાન નાગરિક ધારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, અશાંતધારો અને મહિલા અનામત જેવા મુદ્દા વહેતાં કર્યાં પણ આ બધુંય કામે લાગ્યું ન હતું. બીજી તરફ, કોંગ્રેસ અને આપ એન્ટિ-ઇન્કમ્બન્સીનો લાભ લેવામાં ઉણી ઉતરી છે. ટૂંકમાં, કારમી મોંઘવારી સામે ચૂંટણીના બધા જ મુદ્દા ભૂલાયાં છે. ઉમેદવારો-રાજકીય પક્ષો જાણે ચૂંટણી હથિયાર વિહોણાં બન્યાં તેવો માહોલ સર્જાયો છે.

કારમી મોંઘવારીમાં ઘર ચલાવવું કે પછી કોર્પોરેટર ચૂંટવાં?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોની નિરસતાએ ઉમેદવારો-રાજકીય પક્ષોની ઉંઘ હરામ કરી દીધી છે. રાંધણગેસની અછત અને યુદ્ધના ઓછાયાને લીધે વેપારધંધા પરની અસરને જોતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રોનક જ રહી નથી. ઈઝરાયેલ, અમેરિકા-ઇરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને લીધે લોકોની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બની છે. કારમી મોંઘવારીમાં ઘરનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે ત્યારે ચૂંટણી નિરસ બની છે. ચાની કિટલીથી માંડીને નાના વેપારધંધાને વ્યાપક અસર પહોંચી છે જેના લીધે લોકોને કોર્પોરેટર કે જિલ્લા-તાલુકા પંચાયત સદસ્ય ચૂંટવામાં રસ નથી.

મતદારો વચ્ચે જવું ભાજપ માટે અઘરું!

આ જોતાં ચૂંટણી પ્રચાર ફિક્કો બન્યો છે. ભાજપનો વિકાસનો મુદ્દો મતદારો માટે હાસ્યાસ્પદ બન્યો છે. આ ઉપરાંત યુસીસી, મહિલા આરક્ષણ, અશાંતધારા સહિત અન્ય મુદ્દાઓ પણ મતદારોમાં જમાવટ કરી શક્યા નથી. આ કારણોસર જ ઠેર ઠેર હુરિયો બોલવાઈ રહ્યો છે પરિણામે મતદારો વચ્ચે જવું ભાજપ માટે અઘરું બન્યું છે. કોંગ્રેસ અને આપ પણ હાલ ગુજરાતની વર્તમાન સ્થિતિનો લાભ લઈ શકે તેમ નથી. વિપક્ષ પણ મતદારોનો વિશ્વાસ જીતવામાં ઝાઝું કાંઈ કાઢી શક્યા નથી.

રાજકીય પક્ષો 'ચૂંટણી હથિયાર' વિહોણાં બન્યાં, નેતાઓની ભાષણબાજી માત્ર મનોરંજન, પ્રચાર-સભામાં સમર્થન જ નહીં મૂળ ચૂંટણી મુદ્દાઓ ભૂલાયાં છે ત્યારે રાજનેતા-ઉમેદવારો શબ્દોની હલકાઈ પર ઉતરી આવ્યા છે. માત્રને માત્ર આરોપ-પ્રત્યારોપ થકી ચૂંટણી જીતવા મથામણ કરી રહ્યાં છે. પ્રચાર-જાહેરસભામાં નેતાઓની ભાષણબાજી-ડાયલોગબાજી માત્ર મનોરંજનનું સાધનનું બની રહી છે. લોકશાહીના ઉત્સવ સમાન ચૂંટણીમાં હવે ઉશ્કેરણીજનક નિવેદનબાજી સિવાય કશું જ રહ્યું નથી. શુષ્ક ચૂંટણી માહોલમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે, રાજકીય પક્ષોને હવે નોટાનો ડર સતાવી રહ્યો છે.