Gujarat

પ્રેમી યુગલે એકબીજાને ઓઢણી બાંધી નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો

By GS TEAM
23 Apr 20262 mins read
પ્રેમી યુગલે એકબીજાને ઓઢણી બાંધી નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો

જરોદ.જરોદ નજીક  સરણેજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં  એકબીજાને દુપટ્ટા વડે બાંધીને પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલુ કર્યું હતું. બંનેના મૃતદેહ કેનાલના પાણીમાંથી બહાર કાઢી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જરોદ હાલોલ ટોલ રોડ ઉપર સરણેજ ખાંડીવાડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી બુધવારે એક અજાણ્યા યુવક-યુવતીની દુપટ્ટો  બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. કેનાલ પરથી પસાર થતા સ્થાનિક લોકોની નજર પાણીમાં તરતા અને ઓઢણીથી બંધાયેલા બે મૃતદેહો પર પડતા ગામના લોકો ભેગા થઈ ગયા હતા. ગ્રામજનોએ તાત્કાલિક આ અંગે જરોદ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંનેની ઉંમર અંદાજે ૨૫ થી ૩૦ વર્ષની લાગી રહી છે, પરંતુ તેમની પાસે કોઈ ઓળખપત્ર ન મળી આવતા તેઓ કોણ છે તેની જાણકારી  મળી શકી નહતી.  જરોદ પોલીસે બંને મૃતદેહોનું પંચનામું કરીને તેમને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. દરમિયાન  જરોદ પોલીસે તપાસ કરતા  બંને આપઘાત કરનાર પ્રેમી યુગલ પૈકી યુવક બોડેલી તાલુકાના તોરણીયા ગામે રહેતો નિલેશ રોહીતભાઇ બારિયા (૧૯) હતો. જ્યારે તેની પ્રેમિકા ૧૭ વર્ષની હતી. પ્રેંમિકાની  ઉમર હજી ૧૮ વર્ષ થઇ નહતી. બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ શકય ના હોવાથી પાંચ દિવસ અગાઉ ઘર છોડીને નીકળી ગયા હોવાનું અનુમાન છે. અને બોડેલી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. સાથે રહી શકીએ તેમ ના હોય પણ સાથે મરી તો શકીશું તેવા ઇરાદા સાથે બંનેએ એક બીજાને ઓઢણીથી બાંધી કેનાલમાં ઝંપલાવ્યું હતું.બુધવારે રાત્રે સરણેજ ગેટ પાસેથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા .