અમદાવાદ,શુક્રવાર
શહેરના રામોલ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને વોટ્સએપમાં ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને ફોન હેક કર્યા બાદ બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખ રૂપિયાથી ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડના બિલ ભરીને છેતરપિંડી કરી હતી. વોટ્સએપ ગુ્રપમાં આવેલી ઇ-ચલણ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાથી અન્ય લોકોએ પણ નાણાં ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
રામોલમાં આવેલા હયાતનગરમાં રહેતા સાદીક હુસૈન મલેકને થોડા સમય પહેલા રાતના સમયે વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં ઇ ચલણની એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી. જેમાં ઇ ચલણનો આજે છેલ્લો દિવસ છે. તેમ જણાવવામાં આવ્યું હતું. જેથી ઓનલાઇન ઇ-ચલણ ભરી શકાશે. તેમ માનીને તેમણે એપીકે ફાઇલ ડાઉન લોડ કરી હતી. પરંતુ, કોઇ પ્રોસેસ થઇ નહોતી. આ સમયે તે એક સામાજિક કામમાં હોવાથી ધ્યાન આપ્યું નહોતું.
થોડા સમય બાદ તેમને બેંકના ટ્રાન્જેક્શનના એસએમએસ આવતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઇ ૧૩.૧૪ લાખની રકમ વિવિધ ક્રેડિટ કાર્ડના બિલ ચુકવ્યા હતા. જ્યારે અન્ય રકમ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છે. આમ. કુલ ૧૪ લાખની છેતરપિંડી થઇ હતી. આ સમયે તેમને જાણવા મળ્યું હતું કે તેમના અન્ય સગાઓ સાથે પણ આ પ્રકારે ફ્રોડ થયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સાયબર એક્સપર્ટના જણાવ્યા મુજબ બેંક કે આરટીઓના નામથી આવતી એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવી. સાયબર ક્રિમીનલ એપીકે ફાઇલ ડાઉનલોડ કરીને ફોન પર કંટ્રોલ લઇને વોટ્સએપના અન્ય ગુ્રપમાં એપીકે ફાઇલ મોકલીને અન્ય લોકોના નાણાં આસાનીથી મેળવે છે.


