Gujarat

બાલાસિનોરમાંથી ખાતરની આડમાં ટ્રકમાં લઇ જવાતો 45.40 લાખનો દારૂ ઝડપાયો

By GS TEAM
22 Feb 20262 mins read
બાલાસિનોરમાંથી ખાતરની આડમાં ટ્રકમાં લઇ જવાતો 45.40 લાખનો દારૂ ઝડપાયો

- અમદાવાદ-ઇન્દોર હાઇવે પર હોટલ ગ્રીન નજીક 

- દારૂ અને બિયરની 20,640 બોટલ, ટ્રક સહિત રૂ. 60.47 લાખની મુદ્દામાલ જપ્ત : ચાલકની ધરપકડ

બાલાસિનોર : બાલાસિનોરમાંથી પસાર થતા ઇન્દોર-અમદાવાદ હાઇવે પર મહીસાગર એલસીબી અને સ્થાનિક પોલીસે બાતમીના આધારે વોચ રાખીને અમદાવાદ તરફ લઇ જવાતો વિદેશી દારૂનો રૂ.૪૫.૪૦ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લીધી છે. સેન્દ્રીય ખાતરની નીચે છૂપાવીને દારૂ-બિયરનો આ જથ્થો લઇ જવાતો હતો. આ જથ્થો કોણે મોકલ્યો છે અને ક્યાં લઇ જવાતો હતો? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહીસાગર એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે બાલાસિનોર ટાઉન પોલીસને સાથે રાખીને અમદાવાદ-ઇન્દોર હાઇવે પર હોટલ ગ્રીન નજીક પોલીસે વોચ ગોઠવી હતી. અહીં આડશ અને વાહનો ગોઠવીને ઇન્દોર તરફથી આવતા ટ્રકને રોકીને તલાશી લેતા તેમાં સેન્દ્રીય ખાતરની ગુણોની આડમાં દારૂ અને બિયરનો જથ્થો છૂપાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી ટ્રકના ચાલક મધ્યપ્રદેશના ઇન્દોરના ચંદનનગરમાં રહેતા સુલતાનખાન મહેબૂબખાન નામના શખ્સની અટકાયત કરીને ટ્રકને બાલાસિનોર ટાઉન પોલીસ મથકે લાવવામાં આવી હતી. અહીં તપાસ કરતા ટ્રકમાંથી રૂ.૪૫.૪૦ લાખની કિંમતની દારૂ અને બિયરની ૨૦,૬૪૦ બોટલ તથા ટીન મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે દારૂનો જથ્થો તથા ટ્રક મળી કુલ રૂ.૬૦.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી કોણે મોકલ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો? વગેરે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધીના દાવા સામે વારંવાર આટલી મોટી રકમનો દારૂનો જથ્થો પકડાઇ રહ્યો છે. જે બાબત ગુજરાતની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપે છે.