Gujarat

માનવ વસાહતમાં પહોંચેલી સિંહણે બચ્ચાંને તરછોડી ભાગી જવું પડયું

By GS TEAM
1 Dec 20251 min read
માનવ વસાહતમાં પહોંચેલી સિંહણે બચ્ચાંને તરછોડી ભાગી જવું પડયું

જંગલના અભાવે મુશ્કેલી ભોગવતા ગીરનાં ઘરેણાં વન વિભાગે બચ્ચાંને કોથળામાં પકડી સલામત સ્થળે રાખ્યું, મધરાતે સિંહણને તેની મમતા ત્યાં ખેંચી લાવતાં પુનઃમિલન

જૂનાગઢ, : સિંહોને જંગલ ખૂટતું હોવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. જંગલ છોડી બહાર નીકળી ગયેલી એક સિંહણ રેવન્યુ વિસ્તારમાં બચ્ચાને લઈ પહોંચી ગઈ હતી તેવામાં લોકોની અવર-જવર વધી જતાં તેણે પોતાનાં બચ્ચાંને ત્યાં જ મુકી અન્ય વિસ્તારમાં ચાલ્યા જવું પડયું હતું. બાદમાં આ અંગેની જાણ થતા વનતંત્રના સ્ટાફે બચ્ચાનું માતા સાથે મિલન કરાવવું પડયું હતું.

જૂનાગઢ ડિવિઝન હેઠળના વેરાવળ રેન્જના વેરાવળ રાઉન્ડ તાબાના મંડોર ગામમાં સવારે બચ્ચા સાથે સિંહણ આવી ગઈ હતી. બચ્ચાને લઈ સિંહણ જંગલ કે રેવન્યુ તરફ જવા માટેની તજવીજ કરતી હતી તેવામાં લોકોની અવર-જવર વધી જતા ડરની મારી સિંહણ બચ્ચાને છોડીને એકલી ચાલી ગઈ હતી. આ અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. રાત્રિના સમયે સિંહણ ફરી જે જગ્યાએ બચ્ચાને છોડીને ચાલી ગઈ હતી ત્યાં જ બચ્ચાને શોધવા માટે આવી ચડી હતી અને બચ્ચાં સાથે પુનઃ મિલન કરાવી વન તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.