Lioness death Bhavnagar-Somnath highway : ભાવનગર-સોમનાથ હાઈવે પર નાગેશ્રી નજીક અજાણ્યા વાહનની હડફેટે સિંહણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. એક માસમાં 3 વન્યપ્રાણી અકસ્માતે મોતને ભેટ્યા છે. હાઈવે વન્યપ્રાણીઓ માટે 'ડેથ ઝોન' બનતા વનપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સિંહણના મોતની ઘટનાને પગલે જાફરાબાદ રેન્જ વિભાગે તપાસ આદરી છે.
ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે હવે વન્યપ્રાણીઓ માટે અતિ ઘાતક સાબિત થઈ રહ્યો છે. આ હાઈવે પર વાહનોની તેજ રફ્તાર નિર્દોષ વન્યજીવોનો ભોગ લઈ રહી છે. જાફરાબાદના નાગેશ્રી નજીક ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટનામાં એક સિંહણનું મોત નીપજ્યું છે. છેલ્લા એક મહિનામાં અકસ્માતે વન્યપ્રાણીના મોતની આ ત્રીજી ઘટના બનતા વનવિભાગ અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા પ્રસરી છે.
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી નજીક આવેલા ટોલનાકા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. કોઈ અજાણ્યા વાહન ચાલકે રસ્તો પસાર કરી રહેલી આશરે 3 થી 5 વર્ષની ઉંમરની સિંહણને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વનવિભાગની ટીમ ઘટનાસ્થળે
અકસ્માત સર્જીને વાહન ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતાં જ વનવિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃત સિંહણના દેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એક મહિનામાં 'મૃત્યુનો તાંડવ': ૩ વન્યજીવોના મોત
તમને જણાવી દઈએ કે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે વન્યપ્રાણીઓ માટે 'રક્તરંજિત' બની ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો ગત 4 જાન્યુઆરી આજ હાઈવે પર વાહન હડફેટે એક સિંહણનું મોત થયું હતું. જ્યારે 5 દિવસ અગાઉ નેશનલ હાઈવે પર એક દીપડી પણ વાહન અકસ્માતમાં મોતને ભેટી હતી. નાગેશ્રી નજીક વધુ એક સિંહણનો ભોગ લેવાયો. આમ, માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં 3 જેટલા દુર્લભ વન્યપ્રાણીઓ અકસ્માતે મોતને ભેટતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.


