Keshod Missing Elderly Woman Case : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામની સીમમાં આવેલા એક અવાવરૂ કૂવામાંથી માનવ હાડકાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં માવન કંકાલ ખમીદાણાના 6 મહિના પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલા 65 વર્ષીય વૃદ્ધા સુમરીબેન બારૈયાના હોવાનું જણાય છે. સમગ્ર કેસ મામલે પોલીસે કૂવામાંથી મળેલા માનવ કંકાલને DNA ટેસ્ટ અને FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ખમીદાણામાં કૂવામાંથી માનવ કંકાલ મળ્યા
ખમીદાણા સ્થિત કૂવામાં પોલીસે કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં તપાસમાં દરમિયાન કૂવામાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા, જે ગુમ થયેલા સુમરીબેનના હોવાની પ્રબળ આશંકા છે.
માનવ અવશેષોનું DNA ટેસ્ટ અને FSL કરાશે
રેન્જ પોલીસને મળેલી ચોક્કસ કળીને આધારે કૂવામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને ડૉક્ટરોની ટીમ પણ ઘટનાસ્થળે હાજર રહી હતી. મળી આવેલા અવશેષો સુમરીબેનના જ છે કે કેમ, તેની ખાતરી કરવા માટે DNA ટેસ્ટ સહિતના કામગીરી હાથ ધરવામાં આવી છે.
શું હતી ઘટના?
કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં એકલવાયુ જીવન જીવતા સુમરીબેન બારૈયા નામના મહિલા ગત જૂન 2025માં અચાનક ગુમ થયા હતા. આ મામલે મહિલાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં 6 મહિના સુધી તપાસ કરી છતાં ગુમ મહિલાનો પત્તો લાગ્યો ન હતો. અંતે ગઈકાલે શુક્રવારે(30 જાન્યુઆરી, 2026) પોલીસ ઓપરેશન દરમિયાન કૂવામાંથી માનવ હાડકાં મળી આવ્યા હતા.
પોલીસ અધિકારીએ શું કહ્યું?
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ખમીદાણા ગામના વૃદ્ધા ગુમ થયા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આદરી હતી. જેમાં પોલીસે મહેશ નામના એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિએ સુમરીબેનની હત્યા કરીને એક બેગમાં અવશેષો રાખીને નજીકના એક કૂવામાં ફેંકી આવ્યો હતો. આ પછી પોલીસે કૂવામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ પણ વાંચો: બનાસકાંઠા: હડકવાનાં લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી, લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો
પરિવારજનોના જણાવ્યા મુજબ, મૃતક સુમરીબેન જ્યારે ગુમ થયા ત્યારે તેમની પાસે 15 તોલા સોનાના દાગીના અને 2 લાખ રોકડ રકમ હતી. પોલીસે આ મામલે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. જોકે, DNA અને FSL રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે, કૂવામાંથી મળી આવલા માનવ અવશેષો લાપતા થયેલા સુમરીબેનના છે કે નહીં.


