Gujarat

અનલોક-2માં ઉલ્ટુ કોરોના લોકો સાથે જીવતા શિખી ગયો!

By GS Team
22 Jul 20203 mins read
This article was originally published on 22 Jul 2020
અનલોક-2માં ઉલ્ટુ કોરોના  લોકો સાથે જીવતા શિખી ગયો!

રાજકોટ, તા. 22 જુલાઈ, 2020, બુધવાર

કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે લોકડાઉન નં.૧થી ૫ અમલી કરાયા પણ તે સમયમાં કેસો ઘટયા નહીં. બાદમાં હવે કોરોના સાથે જીવતા શિખવું પડશે, આત્મ નિર્ભર થવું પડશે વગેરે વાતો વચ્ચે અનલોક-૧ અને પછી અનલોક-૨ શરુ થયું જે સપ્તાહ પછી પૂરું થયા બાદ હવે અનલોક-૩ શરુ કરવું કે ન્યુ લોકડાઉન-૧ શરુ કરવું તેની મથામણ લોકો પણ કરી રહ્યા છે ત્યારે અનલોક-૨માં લોકો તા મહામારી સાથે રહેતા શિખ્યા કે નહીં પણ કોરોના લોકો સાથે જીવતા એટલું શિખી ગયો છે કે એકથી બીજા વ્યક્તિ, એક ઘરથી બીજુ, એક ગામથી બીજે એમ હવે રોકેટ ઝડપે ફેલાવા લાગ્યો છે. સૌરાષ્ટ્રમાં લોકડાઉનમાં રોજના ૨૦-૨૫ કેસો સામે હવે કેસની સંખ્યા ૨૦૦ને પાર થાય છે તો રાજકોટ જેવ મહાનગરમાં પહેલા જેટલા કેસ નોંધાતા એટલા તો હવે મૃત્યુ નોંધાય છે. 

લોકડાઉન ફરી અમલી કરવું કે નહીં? એ પ્રશ્નનો જવાબ સરળ નથી. કારણ કે સરકારી રાહતથી લોકો જ્યારે ઘર ચલાવી ન શકતા હોય ત્યારે તેમને મહામારીનો સામનો કરવો પડે છે, બેકારીના કારણે અનેક આપઘાતના બનાવો બને છે તો બીજી તરફ જીવતા રહીએ તો બધુ છે તેવી માનસિકતા સાથે લોકડાઉનનું સમર્થન પણ થઈ રહ્યું છે. 

મહામારી ક્રમશઃ બિહામણુ રૂપ લઈ રહી છે તે જાણતા સમજતા વેપારીઓ કે જેઓ પહેલા દુકાનો ખોલવાની છૂટ આપવાની ભારપૂર્વક માંગણી કરતા તેઓ હવે પોતે જ અંશતઃ લોકડાઉન શરુ કરી રહ્યા છે. રાજકોટમાં અનેક વેપારી સંગઠનોએ દુકાનો સાંજે ૬ વાગ્યે બંધ કરવાનું શરુ કર્યું છે તો ઉનામાં પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન સ્વીકારાયું હતું. પોરબંદરમાં કેસો વધતા ત્યાં પણ વેપારીઓ સ્વૈચ્છિક સાંજે દુકાનો બંધ કરી રહ્યા છે તો જામનગરમાં કેસોનો રાફડો ફાટતા દુકાનો વહેલી બંધ થવા ઉપરાંત સત્તાવાળાઓએ સપ્તાહ સુધી પાન-ચાની દુકાનો બંધ રહે તેવો નિર્ણય લીધો હતો. જુનાગઢ સહિત અન્ય સ્થળોએ પણ સ્વૈચ્છિક લોકડાઉન અમલી થવા લાગ્યા છે.

વાસ્તવમાં લોકોને માત્ર કાગળ પરની નહીં પણ સીધી  અનુભવમાં આવે તેવી રાહતની જરૂર છે. જેમ કે (૧) આખા સત્રમાં ભણતર શક્ય નથી અને ધંધા-નોકરી નથી ત્યારે તે કે.જી.થી માંડીને કોલેજ સુધીની ફી માફ કરવી ફી (સરકાર કે સ્કૂલોએ હજુ ફીમાં રાહતનો નિર્ણય પણ નથી લીધો) (૨) વિજબિલમાં ૧૦૦ યુનિટ સુધીના બિલ માફીની વાત પછી ચાર-સાડાચાર મહિનાનું બિલ એક સાથે આપી મેમાં નાણાં ભરનારને પણ તગડા બિલ મળ્યા તેના બદલે વિજબિલમાં અમુક ટકાની સીધી દેખીતી દરેકને રાહત (૩) પેટ્રોલ ડીઝલના ઉંચા ભાવના કારણે મોંઘવારી ચક્ર વધુ ફરે છે તે ઘટાડી શાકભાજી,દૂધ,કરિયાણુ,દવા વગેરે સસ્તા મળે તેવી વ્યવસ્થા (૪) વેપારીઓ,કારખાનેદારોને વિવિધ વેરામાં રાહત જેવી સાદી માંગણી સ્વીકારાય તો મોટાભાગના લોકો ઘરમાં લોક રહેવા પણ રાજી છે. પણ ખર્ચ ઘટતો નથી તેથી ખર્ચ કાઢવા લોકોએ નાછૂટકે બહાર નીકળવું પડે છે.

શહેરમાં  લોકો રસ્તા,ગટર,લાઈટ,પાણી, સફાઈ જેવી સાદી સુવિધા માંગે છે કરોડો રૂ।.ના પ્રોજેક્ટ મેળવવા આંદોલનો નથી થતા પણ ખુદ નેતાઓ અને અફ્સરોને જ આવા પ્રોજેક્ટોમાં રસકશ હોય તેમ  માત્ર વનીકરણને બદલે અર્બન ફોરેસ્ટ જેવા પ્રોજેક્ટમાં ૧૪-૧૫ કરોડનું આંધણ મંજુર કરાય છે. લોકોને આ કામ થાય તેમાં રસ છે ત્યારે નેતાઓને આ કામ અમે કર્યું તે દેખાડવામાં રસ છે અને તેમાં સોશ્યલ ડિસ્ટન્સનું ભલે પાલન કરીને પણ કાર્યક્રમ વગર ચાલતું નથી. લોકોના ટોળા બજારમાં ભેગા થાય છે તેમ સરકારી કચેરીઓમાં થાય છે. 

અનલોક-૨માં માત્ર લોકોને છૂટ નથી મળી, આરોગ્ય તંત્રે કોરોના રોકવા લોકડાઉનમાં જે કામ થતું તે મોટાભાગનુ બંધ કર્યું છે. લોકડાઉન કરતા અનલોકમાં કેસો માત્ર વધ્યા નથી,અનેકગણા થઈ ગયા છે, કોઈ ગામ-લત્તો બાકી નથી અને મૃત્યુ આંક પણ વધ્યો છે તે વાસ્તવિકતા છે.