Gujarat

મ્યુનિ.ડ્રેનેજ વિભાગ દ્વારા સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા દસ વર્ષમાં ૨૦૦ કરોડનું આંધણ છતાં વરસાદી પાણી કલાકો સુધી ઉતરતા નથી

By GS TEAM
24 Aug 20252 mins read
મ્યુનિ.ડ્રેનેજ વિભાગ દ્વારા સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા દસ વર્ષમાં ૨૦૦ કરોડનું આંધણ છતાં વરસાદી પાણી  કલાકો સુધી ઉતરતા નથી

અમદાવાદ,શનિવાર,23 ઓગસ્ટ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગની બેદરકારીના કારણે શહેરીજનોને સામાન્ય એવા એક ઈંચ વરસાદમાં પણ ભરાતા વરસાદી પાણીને લઈ ભોગવવુ પડી રહયુ છે. દસ વર્ષમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સહિત અન્ય કામગીરી પાછળ રુપિયા ૨૦૦ કરોડનું આંધણ કરાયુ છે. આમ છતાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે જે કલાકો સુધી ઓસરતા નથી. તમામ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન કોન્ટ્રાકટરોને હવાલે કરી દેવાયા છે.સરદારનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં ભારે વરસાદના સમયે કર્મચારીઓ ઉંઘતા નજરે પડતા સોશિયલ મિડીયામાં વિડીયો વાઈરલ કરાયો હતો.

છેલ્લા દસ વર્ષમાં જોધપુર વોર્ડમાં પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં રુપિયા ૨૯ કરોડના ખર્ચથી ૨૯ કિલોમીટર લાંબી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી હતી.દસ વર્ષમાં વરસાદી પાણીના નિકાલ માટે માત્ર ૩૦ ટકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી છે.૯૮૦ કિલોમીટર લાંબી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન પૈકી ૩૫ ટકા સ્ટ્રોમ વોટરલાઈન પશ્ચિમ વિસ્તારમાં જયારે ૬૫ ટકા સ્ટ્રોમ વોટર લાઈન પૂર્વ વિસ્તારમાં આવેલી છે.કોર્પોરેશનના સત્તાવાર આંકડા મુજબ દસ વર્ષમાં માત્ર ૩૦ કિલોમીટર સ્ટ્રોમ વોટરલાઈન નાંખવામાં આવી છે.દર વર્ષ રુપિયા ત્રણથી ચાર કરોડનો ખર્ચ સ્ટ્રોમ વોટર લાઈન નેટવક અને તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સ પાછળ ખર્ચ કરાય છે.આમ છતાં દર વર્ષે વરસાદી પાણી ભરાવવા અંગેના નવા નવા સ્પોટ વધતા જાય છે.માત્ર ઓફિસમાં બેસીને પ્લાનિંગ કરતા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા વર્ષ-૨૦૧૯માં આશ્રમ રોડ ખાતે રુપિયા ૧૦૫ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટરલાઈન નાંખવામાં આવી હતી.તંત્રની બેદરકારી છતાં સત્તાધીશો ચૂપકીદી સેવે છે.

૧૮ વર્ષ પછી પણ આ વિસ્તારોની કફોડી હાલત

વર્ષ-૨૦૦૭માં મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં સરખેજ,મકતમપુરા,વેજલપુર,બોડકદેવ ઉપરાંત થલતેજ,ઘાટલોડીયા, રાણીપ,કાળીગામ અને ચાંદખેડા જેવા વિસ્તાર સમાવાયા હતા. આ તમામ વિસ્તારોમાં ૧૮ વર્ષ પછી પણ દર વર્ષે ચોમાસામાં પડતા એક ઈંચ જેવા સામાન્ય વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જાય છે.જે કલાકો સુધી ઓસરતા નથી. વેજલપુરમાં શ્રીનંદનગર વિસ્તાર વરસાદી પાણી ભરાવા માટેનુ હોટ સ્પોટ છે.

સ્ટ્રોમ વોટર લાઈન પાછળ આઠ વર્ષમાં કરાયો?

વર્ષ            ખર્ચ(કરોડ)

૨૦૧૩-૧૪     ૫.૦૦

૨૦૧૪-૧૫     ૪.૩૫

૨૦૧૫-૧૬     ૩.૮૦

૨૦૧૬-૧૭     ૪.૧૦

૨૦૧૮-૧૯     ૨૦.૦૦

૨૦૧૯-૨૦     ૪.૮૭

૨૦૨૦-૨૧     ૫.૯૫

૨૦૨૧-૨૨     ૬.૧૮

૨૦૨૨-૨૩     ૯૩.૦૦