Gujarat

જમીનના ધંધાર્થીનાં ઘરે ઉઘરાણીના મામલે મધરાતે હંગામો મચાવી તોડફોડ

By GS TEAM
11 Jan 20262 mins read
જમીનના ધંધાર્થીનાં ઘરે ઉઘરાણીના મામલે મધરાતે હંગામો મચાવી તોડફોડ

રોલેક્સ રોડ પરની આસોપાલવ સોસાયટીની ઘટના

બે આરોપીઓ વિરૂધ્ધ સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથેના પૂરાવા સાથે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ: રોલેક્સ રોડ પર આસોપાલવ સોસાયટી શેરી નં. ૨માં રહેતાં દિનેશભાઈ કુંજડિયા (ઉ.વ.૪૦)ના મકાનમાં આરોપી આસીફ દલ અને અજાણ્યા શખ્સે તોડફોડ કર્યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પૈસાની લેતીદેતીના મામલે તોડફોડ થયાનું બહાર આવ્યું છે.

ફરિયાદમાં દિનેશભાઈએ જણાવ્યું છે કે તે બેન્ક દ્વારા સીલ કરેલા મકાન-શેડ અને જમીન હરરાજીમાં ખરીદી ખરીદ-વેચાણનું કામ કરે છે. ત્રણેક વર્ષ પહેલા મિત્ર દર્શન ભટ્ટી પાસેથી રૂા. ૩૭ લાખ લેવાના હતા. છએક માસ પહેલા ભુણાવા પાસે એક કારખાનુ કસમાં વેચવાનું હતું. જેથી દર્શનને વાત કરતાં તેણે મિત્ર આસીફને કારખાનુ લેવાનું છે તેમ કહ્યું હતું. પરિણામે આસીફે તેને રૂા. ૧૫ લાખ રોકડા આપ્યા હતાં.  પછીથી કારખાના ઉપર લોન થઇ શકે તેમ ન હોવાની જાણ થતાં સોદો કેન્સલ થયો હતો.

આ સ્થિતિમાં દર્શને તેની પાસે રૂા. ૧૫ લાખની ઉઘરાણી કરી હતી. જેથી તેણે કહ્યું કે તેની પાસેથી જે રૂા. ૩૭ લાખ માગે છે તેમાંથી રૂા. ૧૫ લાખ આસીફને આપી દેવાનું કહ્યું હતું. પરંતુ દર્શને હાલ પોતાની પાસે રૂપિયાની સગવડ નથી તેમ જણાવી રૂા. ૯ લાખ આસીફને આપ્યા હતાં. જ્યારે બાકીના રૂા. ૬ લાખ તેને આપી દેવાનું કહ્યું હતું. આ રકમની આસીફ અવારનવાર તેની પાસે ઉઘરાણી કરતો હતો. પરંતુ તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી રકમ આપી શક્યો ન હતો. 

જેને કારણે ઉશ્કેરાઇ ગયેલા આસીફે અન્ય અજાણ્યા શખ્સ સાથે ગઇ તા. ૯ના મધરાતે તેના ઘરે આવી જોર-જોરથી દરવાજા ખટખટાવ્યા હતાં. બેફામ ગાળો પણ ભાંડી હતી. એટલું જ નહીં બહાર નીકળ આજે તને જોઇ લેવો છે, મારા રૂપિયા પરત આપી દે, નહીંતર સારા વટ નહીં રહે તેવા હાકલા-પડકારા પણ કરતા તત્કાળ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસ આવતા બંને આરોપીઓ જતા રહ્યા હતા. 

ત્યાર પછી તપાસ કરતાં આરોપીઓએ તેના ઘરની બહાર ટાઇલ્સનો ઓટો ઉપરાંત રવેશના કાચ ફોડી નાખ્યાની જાણ થઇ હતી. જેથી બંને આરોપીઓ વિરૂધ્ધ સીસીટીવી કેમેરાના પૂરાવા સાથે ફરિયાદ નોંધાવી હતી.