Get The App

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર

શેર બજારમાં ખોટ જતા દારૃના કારોબારમાં ઝંપલાવ્યં હતું

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે  સુધીના રિમાન્ડ મંજૂર 1 - image

વડોદરા : લાલુ સિંધી નામની સંગઠીત ગેંગ બનાવી વિદેશી દારૃનું મજબુત નેટવર્ક ઉભુ કરી કરોડોનો કારોબાર કરવાના બનાવમાં પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા આરોપી મનોજ ઉર્ફે પાપડની ગઇકાલે ધરપકડ કરી હતી. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના ૩૦ દિવસના રિમાન્ડનીમાંગણી કરતા અદાલતે આરોપીના તા.૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં એસએમસીએ નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ પાડી વિદેશી દારૃ તેમજ વાહનો સહિત કુલ રૃા.૧.૪૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તપાસમાં લાલુ સિંધી ગેગની સંડોવણી સપાટી પર આવ્યા બાદ આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજરોજ આરોપી મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસિંઘાણીના રિમાન્ડની માંગણી કરતા સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, આરોપી  મનોજ પાપડ અગાઉ શેર બ્રોકર તરીકે કામ કરતો હતો, પરંતુ તેમાં ખોટ ગયા બાદ તે દારૃના ગેરકાયદે વ્યવસાયમાં સામેલ થયો હતો.

આરોપી લાલુ સિંધી ગેંગના અન્ય સાગરીતો સુનીલ ઉર્ફે અદા અને કાલુ ટોપીના સંપર્ક દ્વારા ગેંગમાં સક્રિય થયો હતો. સેલવાસના ગઢવી નામના શખ્સ પાસેથી તે દારૃનો જથ્થો મંગાવી વડોદરાના અલગ-અલગ બુટલેગરોને સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું છે, જેના મૂળ સુધી પહોંચવા પોલીસ તપાસ જરૃરી છે. તપાસ અધિકારીએ રિમાન્ડ અરજીમાં રજૂઆત કરી હતી કે, આરોપીની બેનામી મિલ્કતોની તપાસ કરવાની છે. મનોજે દારૃના કાળા કારોબારમાંથી મેળવેલા નાણાં દ્વારા ન્યૂ અલકાપુરી અને ગોરવા વિસ્તારમાં આલીશાન મિલ્કતો વસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે એટલે તેની તપાસ કરવાની છે.

આ મિલ્કતો ખરીદવા માટે નાણાંની સગવડ ક્યાંથી કરવામાં આવી અને તેમાં અન્ય કોઈ ભાગીદાર છે કે કેમ તે દિશામાં તપાસ કરવાની છે. આરોપી વિરુદ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧૧ જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ અને પ્રોહિબિશનના કેસોનો સમાવેશ થાય છે. જેલવાસ દરમિયાન પણ તે ગેંગના સભ્યો સાથે સંપર્કમાં રહીને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે.ગેંગના નેટવર્કને તોડવા માટે મનોજની પૂછપરછ ખુબ જ જરૃરી છે.ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ આરોપી મનોજના તા.૨૧મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.