Gujarat

ફોટો પડાવવા માટે ભાજપના યુવા અને પીઢ નેતા વચ્ચે ગાળાગાળી! અભિવાદન સમારોહમાં માથાકૂટ

By GS TEAM
17 Feb 20262 mins read
TukuTouch Logo
ભુજમાં ભાજપના જિલ્લા કાર્યાલય 'કમલમ્' ખાતે નવા વરાયેલા જિલ્લા હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કચ્છભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યાલયના ગેટ પાસે આવેલી ભારત માતાની પ્રતિમા પાસે કાર્યકરોમાં ફોટા અને સેલ્ફી પડાવવાની હોડ જામી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ફોટો પડાવવા માટે ભાજપના યુવા અને પીઢ નેતા વચ્ચે ગાળાગાળી! અભિવાદન સમારોહમાં માથાકૂટ

 AI Image



Kutch News : શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છાપ ધરાવતા ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક જૂથવાદ અને અશિસ્તના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કાર્યકરો અંદરોઅંદર બાખડતા હોવાના કિસ્સાઓમાં હવે વધુ એક કિસ્સો કચ્છ ભાજપમાંથી પ્રકાશમાં આવ્યો છે. ભુજ સ્થિત ભાજપ કાર્યાલય 'કમલમ્' ખાતે આયોજિત એક કાર્યક્રમમાં અંજાર ભાજપના બે જૂથના નેતાઓ વચ્ચે ફોટા પડાવવા જેવી નજીવી બાબતે જાહેરમાં શાબ્દિક ટપાટપી થઈ હતી, જે બાદમાં ઉગ્ર વિવાદમાં પરિણમી હતી.

શું હતો સમગ્ર મામલો?

ગત શનિવારે ભુજમાં ભાજપના જિલ્લા કાર્યાલય 'કમલમ્' ખાતે નવા વરાયેલા જિલ્લા હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કચ્છભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યાલયના ગેટ પાસે આવેલી ભારત માતાની પ્રતિમા પાસે કાર્યકરોમાં ફોટા અને સેલ્ફી પડાવવાની હોડ જામી હતી.

નેતાજી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા

આ દરમિયાન અંજાર શહેર ભાજપના એક પીઢ હોદ્દેદાર પણ ત્યાં ફોટા પડાવી રહ્યા હતા. જોકે, અન્ય કાર્યકરોની વ્યસ્તતાને કારણે તેમની સાથે કોઈએ ફોટો પડાવ્યો નહોતો, જેનાથી તેઓ થોડા ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હોવાનું મનાય છે. આ જ સમયે નજીકમાં ઉભેલા અંજાર યુવા મોરચાના એક હોદ્દેદાર પોતાના મિત્રો સાથે કોઈ અંગત વાત પર હસી-મજાક કરી રહ્યા હતા.

આ પણ વાંચો : આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર; જુઓ Photos

ગેરસમજ ઉગ્ર વિવાદમાં ફેરવાઈ

પીઢ નેતાને એવું લાગ્યું કે યુવા નેતા તેમની મજાક ઉડાવી રહ્યા છે અને તેમના પર હસી રહ્યા છે. આ ગેરસમજ એટલી હદે વકરી કે પીઢ નેતાએ પિત્તો ગુમાવ્યો અને યુવા નેતાને જાહેરમાં અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. સામે પક્ષે યુવા નેતાએ પણ પ્રતિકાર કરતા મામલો ગરમાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ એટલું ઉગ્ર બન્યું હતું કે તેઓ એકબીજા પર હુમલો કરવા દોડ્યા હતા.

પક્ષની છબી ખરડાઈ

કાર્યાલયની બહાર જ સર્જાયેલા આ હંગામાને જોઈને ત્યાં હાજર અન્ય વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દોડી આવ્યા હતા. તેમણે માંડ-માંડ બંને પક્ષોને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો. જોકે, જાહેર માર્ગ પર પક્ષના જ બે હોદ્દેદારો વચ્ચે થયેલી આ નૂરાકુસ્તી અત્યારે સમગ્ર કચ્છમાં 'ટોક ઓફ ધ ટાઉન' બની છે. આ ઘટનાએ ભાજપના કહેવાતા શિસ્તના દાવાઓ સામે સવાલો ઉભા કર્યા છે. હાલમાં આ વિવાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.