Gujarat

આજવારોડની સોસાયટીમાં પરિણીતાની છેડતી બાદ પતિ પર ચપ્પુથી હુમલો

By GS TEAM
20 Aug 20251 min read
આજવારોડની સોસાયટીમાં પરિણીતાની છેડતી બાદ પતિ પર ચપ્પુથી હુમલો

વડોદરા, તા.20 આજવારોડ વિસ્તારની સોસાયટીમાં રાત્રે વોકિંગ દરમિયાન પરિણીતાની છેડતી મુદ્દે ઠપકો આપતા દંપતી સહિત પાંચ શખ્સોએ ચપ્પુ અને હથોડીથી હુમલો કરી પતિને ઇજા પહોંચાડી હતી.

આજવારોડ પર આવેલી જય યોગેશ્વર વિભાગ-૨ ટાઉનશિપમાં રહેતા સુનિલભાઇએ  સોસાયટીના રાજેશ કૌશિક, કુસુમબેન રાજેશ કૌશિક, મહેન્દ્ર શર્મા, રાધેશ્યામ શર્મા અને સોનું ગજરાજ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પત્નીને આઠ મહિના પહેલાં સોસાયટીમાં રહેતો રાજેશ હેરાન કરતો હોવાથી જે તે સમયે તેને સમજાવ્યો હતો.

ગઇ રાત્રે હું અને મારા પત્ની સોસાયટીમાં વોકિંગ માટે નીકળ્યા  હતાં. તે વખતે રાજેશ પણ વોકિંગ કરતો હતો ત્યારે તેણે મારી પત્ની પાસેથી પસાર થઇ કમરના નીચેના ભાગે ટપલી મારતા મેં જોઇ હતી. જેથી મેં તેને મારી પત્નીને હેરાન કેમ કરે છે તેમ પૂછતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને નજીકમાં ઘરમાં જઇને હથોડી લઇને આવી મને માથામાં મારી  હતી જ્યારે તેની પત્ની ઘરમાંથી ચપ્પુ લઇને આવી ઇજા પહોંચાડી હતી. આ વખતે અન્ય લોકો પણ આવી ગયા હતા અને માર મારી ધમકી આપી હતી કે તું પોલીસ ફરિયાદ આપવા જઇશ તો જાનથી મારી નાંખીશું, મહેન્દ્ર શર્માએ જણાવેલ કે મારે આઇએએસ ઓફિસરો સાથે સંબંધો હોય તું મારુ કશું કરી શકીશ નહી.